મધ્ય પ્રદેશના હરદામાં મોતનું તાંડવ

07 February, 2024 08:36 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

ફટાકડાની ફૅક્ટરીમાં ભયંકર વિસ્ફોટો પછી ભીષણ આગ : ૧૧ જણનાં મૃત્યુ, ૨૦૦થી વધુ​ લોકોને ઇજા

મધ્ય પ્રદેશના હરદામાં ફટાકડાના કારખાનામાં ધડાકા સાથે આગ લાગી હતી.

ઇન્દોર :  મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં આવેલી એક ફટાકડાની ફૅક્ટરીમાં સંખ્યાબંધ ભયંકર વિસ્ફોટો પછી લાગેલી ભીષણ આગમાં ૧૧ જણ ભડથું થઈ ગયા હતા, જ્યારે ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને કારણે હૉસ્પિટલમાં પણ નાસભાગની સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ હરદામાં બનેલી આ ઘટનાથી મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવ પણ તાત્કાલિક ઍક્શન મોડમાં આવી ગયા છે. ઘટનાની તાત્કાલિક નોંધ લેતાં મુખ્ય પ્રધાન મોહન યાદવે પ્રધાન પ્રદ્યુમન સિંહ તોમર, ઉદય પ્રતાપ સિંહ, એસીએસ અજિત કેસરી, ડીજી હોમગાર્ડ અરવિંદ કુમારને હેલિકૉપ્ટરથી રવાના થવાનો નિર્દેશ આપ્યો હતો.

આ ઘાયલોને ઍરલિફ્ટ કરવામાં આવશે. અહીં ભોપાલ, ઇન્દોરમાં મેડિકલ કૉલેજ અને એઇમ્સ ભોપાલમાં બર્ન યુનિટને જરૂરી તૈયારીઓ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઇન્દોર અને ભોપાલથી ફાયર બ્રિગેડ મોકલવામાં આવી રહી છે. કલેક્ટર ઋષિ ગર્ગે જણાવ્યું કે ‘આજે સવારે ફટાકડાની ફૅક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આથી ફૅક્ટરીમાં જોરદાર આગ લાગી હતી. આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. અમે ૨૦-૨૫ લોકોને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. ઘણા લોકોની હાલત નાજૂક છે અને હજી પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. અમે નજીકના જિલ્લાઓમાંથી ઍમ્બ્યુલન્સ, ડૉક્ટરોની ટીમ, સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ટીમ અને એનડીઆરએફ ટીમોને પણ બોલાવી છે.

ઇન્દોરના કલેક્ટર આશિષ સિંહે કહ્યું કે ‘ઇન્દોરની સરકારી અને ખાનગી હૉસ્પિટલોના બર્ન યુનિટમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ૨૦૦ બર્ન યુનિટ બેડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ઇન્દોરથી ૨૦ આઇસીયુ ઍમ્બ્યુલન્સ હરદા માટે રવાનાં થઈ છે.’ ઇન્દોરના કલેક્ટર આશિષ સિંહે એમ.વાય. હૉસ્પિટલમાં બર્ન યુનિટનું નિરીક્ષણ કર્યું છે. ફાયર ફાઇટર અને બર્ન સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોની ટીમ ઇન્દોરથી હરદા જવા રવાના થઈ ગઈ છે.

national news madhya pradesh indore