13 December, 2022 10:51 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
ભોપાલ : મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસના સિનિયર લીડર રાજા પટેરિયાએ તેમની સ્પીચથી જબરદસ્ત વિવાદ જગાવ્યો છે, જેમાં તેઓ તેમના ઑડિયન્સને એમ કહેતા જોવા મળ્યા હતા કે જો બંધારણ બચાવવું હોય તો નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે તત્પર રહો. જોકે તેમણે એ પછી તરત જ ખુલાસો કર્યો કે મારી નાખવાનો તેમનો અર્થ એ હતો કે હરાવવા, પરંતુ આ વિવાદ શમ્યો નહીં. બીજેપીના અનેક નેતાઓ પટેરિયાની ધરપકડની માગણી કરી રહ્યા છે.
મધ્ય પ્રદેશ સરકારે રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન પટેરિયાની વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધીને ટાર્ગેટ કરીને જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા કરવાનો ઢોંગ કરી રહેલા લોકોનો ખરો ચહેરો સામે આવી ગયો છે.
પટેરિયા તેમની પાર્ટીના કાર્યકર્તાઓને એમ કહેતા જોવા મળ્યા હતા કે ‘મોદીજી ચૂંટણીઓ નાબૂદ કરી દેશે. મોદી ધર્મ, જ્ઞાતિ અને ભાષાના આધારે વિભાજિત કરશે. દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓનાં ભાવિ-જીવન ખતરામાં છે. જો બંધારણ બચાવવું હોય તો મોદીજીની હત્યા કરવા માટે તત્પર રહો.’
બાદમાં એ જ વિડિયોમાં કૉન્ગ્રેસના નેતાએ કહ્યું હતું કે હત્યા એટલે કે હરાવવાનું કામ શરૂ કરો. તેમણે કહ્યું હતું કે તેઓ મહાત્મા ગાંધીની અહિંસાની વિચારધારાનું પાલન કરી રહ્યા છે અને તેમના કહેવાનો અર્થ એ હતો કે લઘુમતીઓને પ્રોટેક્ટ કરવા માટે ચૂંટણીમાં પીએમ મોદીને હરાવવા જરૂરી છે. પન્ના જિલ્લાના પવઈ ટાઉનમાંથી આ વિડિયો આવ્યો છે.
આવાં સ્ટેટમેન્ટ્સ સૂચવે છે કે અત્યારની કૉન્ગ્રેસ એ મહાત્મા ગાંધીની કૉન્ગ્રેસ રહી નથી. આ ઇટલીની કૉન્ગ્રેસ છે જેના પર મુસોલિનીની વિચારધારા હાવી છે. - નરોત્તમ મિશ્રા, મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન
વડા પ્રધાનની વિરુદ્ધની આ કમેન્ટ અક્ષમ્ય અપરાધ છે. જો રાજા પટેરિયા પોતાની જાતને માનસિક રીતે અસ્વસ્થ જાહેર કરે તો પણ તેમણે જે અપરાધ કર્યો છે એમાંથી તેઓ છટકી શકવા ન જોઈએ. - પ્રહ્લાદ જોશી, કેન્દ્રીય પ્રધાન