05 February, 2023 07:25 PM IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્યપ્રદેશ (Madhya Pradesh)માંથી બળાત્કારની વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના રીવા (Rewa) જિલ્લામાં ૧૬ વર્ષના કિશોર ૫૮ વર્ષીય મહિલાનો બળાત્કાર કર્યો અને પછી ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી છે. રવિવારે આ મામલાની જાણ થઈ છે.
પોલીસના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, આ ઘટના ૩૦ જાન્યુઆરીની રાત્રે હનુમાના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કૈલાશપુરી ગામમાં બની હતી. પીડિતાના પરિવારે આરોપી છોકરા પર બે વર્ષ પહેલા મોબાઈલ ફોન ચોરવાનો આરોપ લગાવ્યો હતો અને તે બદલો લેવા માંગતો હતો. બદલાની ભાવનાથી તેણે આ કૃત્ય કર્યું હોવાનું કહેવાય છે.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ કથિત રીતે મહિલાના મોંમાં પ્લાસ્ટિકની થેલી અને કપડું ભર્યું હતું અને તેઓ જ્યાં રહેતા હતા તે બિલ્ડિંગના નિર્માણાધીન ભાગમાં તેમને ખેંચીને લઈ ગયો હતો. છોકરાએ કથિત રીતે મહિલાના માથા અને શરીરના અન્ય ભાગો પર દાતરડા વડે વાર કર્યો હતો અને તેમના પ્રાઈવેટ પાર્ટને પણ ઈજા પહોંચાડી હતી.
એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (એએસપી) વિવેક લાલે કહ્યું કે, પહેલી ફેબ્રુઆરીએ માહિતી મળી હતી કે એક ૫૮ વર્ષીય મહિલાનો મૃતદેહ નિર્માણાધીન બિલ્ડિંગમાં પડ્યો છે પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને જાણવા મળ્યું કે મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. બાતમીદારો પાસેથી મળેલી માહિતી અને તપાસના આધારે પોલીસને ખબર પડી કે, પીડિતાના પાડોશમાં રહેતા આરોપી છોકરાએ આ ઘટનાને અંજામ આપ્યો છે. મહિલાના પરિવારના સભ્યોએ પણ છોકરા પર શંકા વ્યક્ત કરી હતી.
પોલીસે જણાવ્યું કે, પીડિતાના પરિવારે આરોપી છોકરા પર મોબાઈલ ફોન ચોરવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે છોકરા અને પરિવાર વચ્ચે દુશ્મનાવટ થઈ હતી.
આ પણ વાંચો - વિનોદ કાંબળી ફરી વિવાદમાં : પત્નીની મારપીટનો છે આરોપ
અધિકારીએ ઘટનાની માહિતી આપતાં કહ્યું કે, ૩૦ જાન્યુઆરીએ જ્યારે પીડિતાનો પુત્ર અને પતિ બહાર ગયા હતા ત્યારે છોકરો તેના ઘરમાં ઘુસી ગયો હતો. આરોપીએ કથિત રીતે ખાટ પર સૂતી મહિલા પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તેણીએ ચીસો પાડી ત્યારે આરોપીએ તેના મોંમાં પોલીથીનની થેલી અને કપડું નાખી દીધું હતું. આ પછી તેણે દોરડા અને વાયરની મદદથી મહિલાના ચહેરા પર પ્લાસ્ટિકની થેલી બાંધી દીધી અને તેને બિલ્ડિંગના એક નિર્માણાધીન ભાગમાં લઈ ગયો હતો. આરોપી યુવાને મહિલાને દરવાજા સાથે બાંધીને વારંવાર માર માર્યો અને જ્યારે તે બેભાન થઈ ગઈ ત્યારે તેના પર બળાત્કાર કર્યો.
આરોપીઓએ પીડિતાના માથા, હાથ, ગળા અને છાતી પર કુહાડી વડે હુમલો કર્યો અને તેના પ્રાઈવેટ પાર્ટને પણ ઈજા પહોંચાડી હતી. છોકરો પાછળથી મહિલાના ઘરે રાખેલા ૧૦૦૦ રૂપિયા રોકડા અને ઘરેણાં લઈને ભાગી ગયો હતો. કસ્ટડીમાં લીધા બાદ પૂછપરછ દરમિયાન છોકરાએ ગુનો કબૂલી લીધો હતો.
આ પણ વાંચો - અંધશ્રદ્ધાએ લીધો ત્રણ મહિનાની બાળકીનો જીવ, સારવારને નામે કર્યું આવું!
આરોપી યુવાનને બાળ ગૃહમાં મોકલવામાં આવ્યો છે અને તેની સામે આઇપીસીની ધારા ૩૦૨ (હત્યા) અને ૩૭૬ (બળાત્કાર) સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.