માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પછી પર્વતારોહકોએ પોતાની પૉટી બૅગમાં ભરીને બેઝ કૅમ્પ પર પાછી લાવવી પડશે

09 February, 2024 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક પર્વતારોહક સામાન્યપણે રોજનું ૨૫૦ ગ્રામ પૉટી કરે છે અને એક બૅગમાં પાંચથી છ દિવસ મળ ભરી શકાય એવી વ્યવસ્થા છે.

માઉન્ટ એવરેસ્ટ

વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટને સર કરવાના ઉત્સાહીઓની સંખ્યા વધી રહી છે ત્યારે નેપાલની પાસંગ લ્હામુ રૂરલ મ્યુનિસિપાલિટીએ પર્વતારોહકો માટે ગઈ કાલે એક નવો નિયમ બહાર પાડ્યો હતો. પર્વતારોહણ દરમ્યાન પાણીની બૉટલ કે ફૂડ-પૅકેટનાં રૅપર્સ વગેરે જ્યાં-ત્યાં ફેંકવા પર તો પ્રતિબંધ ક્યારનોય લાગી ગયો છે, પણ હવે પર્વતારોહકોની પૉટીને કારણે પણ પર્વત બગડી રહ્યો છે. એને કારણે ક્લાઇમ્બર્સે પોતાની પૉટી પોતાની સાથે જ બૅગમાં ભરીને પાછી લાવવાની રહેશે એવો કડક નિયમ બહાર પાડ્યો છે. 

પાસંગ લ્હામુ રૂરલ મ્યુનિસિપાલિટી મોટા ભાગના એવરેસ્ટ પર્વતને કવર કરે છે. આ મ્યુનિસિપાલિટીના ચૅરમૅન મિન્ગપા શેરપાએ કહ્યું હતું કે આપણો પર્વત હવે ગંધાઈ રહ્યો છે. ૮૮૪૮ મીટરની ઊંચાઈએ જે ઠંડું તાપમાન છે એમાં માનવમળનું નૅચરલ ડીગ્રેડેશન થઈ શકતું નથી. અમને ફરિયાદ મળી છે કે પર્વત પર ઠેર-ઠેર માનવમળ જ્યાં-ત્યાં વિખેરાયેલું પડ્યું હોય છે જે પર્વતારોહકોને બીમાર પાડે છે. એટલે જ માઉન્ટ લોત્સે તરફથી માઉન્ટ એવરેસ્ટ ચડવા આવતા પર્વતારોહકોએ બેઝ કૅમ્પ પરથી પૂ બૅગ્સ ખરીદવી પડશે અને પાછા આવતી વખતે એ બૅગ્સ ચેક કરવામાં આવશે. 

આમેય પર્વત પર વેસ્ટ મૅનેજમેન્ટ એ બહુ મોટો ઇશ્યુ બની રહ્યો છે. નેપાલે અમેરિકા પાસેથી ૮૦૦૦ પૂ બૅગ્સ ખરીદી છે. આગામી માર્ચ મહિનાથી ચાલુ થતી સીઝનમાં ૪૦૦ ફૉરેન ક્લાઇમ્બર્સ અને ૮૦૦ સપોર્ટ સ્ટાફને ધ્યાનમાં રાખીને આટલી બૅગ લાવવામાં આવી છે. આ પૂ બૅગમાં ખાસ કેમિકલ્સ અને પાઉડર્સ છે જે માનવમળને સૉલિડ કરી નાખશે અને એમાંથી ગંધ પણ દૂર કરી દેશે. 
એક પર્વતારોહક સામાન્યપણે રોજનું ૨૫૦ ગ્રામ પૉટી કરે છે અને એક બૅગમાં પાંચથી છ દિવસ મળ ભરી શકાય એવી વ્યવસ્થા છે.

national news mount everest offbeat news offbeat videos viral videos