હીટવેવનો હાહાકાર, શબવાહિની અને ઍમ્બ્યુલન્સની શૉર્ટેજ સર્જાઈ

20 June, 2023 11:00 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

યુપીમાં હૉસ્પિટલોમાં ભરતી થનારા દરદીઓની સંખ્યા સતત વધી રહી છે, બલિયામાં ૧૨૮, દેવરિયામાં ૫૩, વારાણસીમાં ૭ અને પ્રતાપગઢમાં ૧૮ જણનાં મૃત્યુ

ઉત્તર પ્રદેશના બલિયામાં એક પેશન્ટને હૉસ્પિટલમાં લાવી રહેલા તેના ફૅમિલી મેમ્બર્સ. તસવીર પી.ટી.આઇ.

ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારત ભયાનક ગરમીની ઝપેટમાં છે. વધતા તાપમાન અને હીટવેવથી લોકો પરેશાન છે. હૉસ્પિટલોમાં ભરતી થનારા દરદીઓની સંખ્યા સતત વધી રહી છે. ઉત્તર પ્રદેશનો બલિયા જિલ્લો અત્યારે ભયાનક ગરમીને કારણે ચર્ચાના કેન્દ્રસ્થાને છે. અહીં ૯ દિવસમાં ૧૨૮ લોકોનાં હીટવેવને કારણે મોત થયાં હોવાના રિપોર્ટ્સને કારણે ઊહાપોહ મચ્યો છે. ઍડ્મિનિસ્ટ્રેશન હીટવેવને કારણે મોતની શક્યતા નકારી રહ્યું છે. જોકે હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમે તપાસ શરૂ કરી છે. પરિસ્થિતિની ગંભીરતાનો એનાથી ખ્યાલ આવે છે કે દેવરિયામાં શબવાહિની અને ઍમ્બ્યુલન્સની શૉર્ટેજ સર્જાઈ છે. દેવરિયામાં ગરમીથી ૫૩ જણનાં મોત નીપજ્યાં હોવાનું જણાવાયું છે.

ઍડ્મિનિસ્ટ્રેશન હીટ સ્ટ્રોકથી મોતના રિપોર્ટ્સને ફગાવી રહ્યું છે, પરંતુ હકીકત એ છે કે દરદીઓની સંખ્યા વધવાને કારણે બલિયાના જિલ્લા હૉસ્પિટલની પોલ ખૂલી ગઈ છે. ઇમર્જન્સી વૉર્ડમાં બેડ ન મળવાને કારણે દરદીઓની સારવાર જમીન પર કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં ભયાનક ગરમી અને હીટવેવને કારણે હેલ્થ ડિપાર્ટમેન્ટ અલર્ટ મોડમાં છે. વારાણસીમાં પણ ૪૩થી ૪૫ ડિગ્રી સે​લ્સિયસ તાપમાન નોંધાયું છે.

ગરમી અને હીટવેવને કારણે વારાણસીમાં રવિવારે સાત જણનાં મોત થયાં હતાં. જોકે મુખ્ય પ્રધાનની ઑફિસે એના માટે લૂ કારણ હોવાની વાત ફગાવી દીધી છે. અયોધ્યામાં પણ ભયાનક ગરમીનો કૅર છે. અયોધ્યામાં હનુમાનગઢી મંદિરની પાસે ડ્યુટી કરી રહેલો ટ્રાફિક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વિનોદ સોનકર રવિવારે ગરમીને કારણે ડ્યુટી દરમ્યાન જ બેભાન થઈ ગયો હતો. તેણે આખરે દમ તોડ્યો હતો. પ્રતાપગઢમાં પણ ભયાનક ગરમી જીવલેણ પુરવાર થઈ રહી છે. ત્રણ દિવસમાં આ જિલ્લામાં ૧૮ જણનાં મોત થયાં છે. દેવરિયા જિલ્લામાં લગભગ છેલ્લા ૧૦ દિવસથી ૪૨-૪૩ ડિગ્રી તાપમાન રહ્યું છે. આ ગરમી જીવલેણ પુરવાર થઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ જણનાં મોત નીપજ્યાં છે. દેવરિયાના ઇમર્જન્સી મેડિકલ ઑફિસર ડૉ. સી. પી. તિવારીએ કહ્યું હતું કે ‘ભયાનક ગરમીને કારણે ઇમર્જન્સીમાં દરદીઓની સંખ્યા વધી છે. લૂ લાગવી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને બેભાનની સ્થિતિ સહિત અન્ય હેલ્થ પ્રૉબ્લેમ્સને કારણે દરદીઓ આવી રહ્યા છે. રોજ છથી સાત લોકોનાં મોત થઈ રહ્યાં છે.’

heat wave uttar pradesh lucknow national news