સંસદના મૉન્સૂન સત્રની જૂના સંસદભવનમાં શરૂઆત, સમાપન થશે નવા બિલ્ડિંગમાં

02 July, 2023 09:10 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચોમાસુ સત્રની ૨૦ જુલાઈથી શરૂઆત થશે અને ૧૧ ઑગસ્ટ સુધી ચાલશે

ફાઇલ તસવીર

સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્‍‍લાદ જોશીએ ગઈ કાલે જણાવ્યું હતું કે સંસદના ચોમાસુ સત્રની ૨૦ જુલાઈથી શરૂઆત થશે અને ૧૧ ઑગસ્ટ સુધી ચાલશે. આ જાહેરાત કરતાં સમયે તેમણે પૉલિટિકલ પાર્ટીઓને આ સેશન દરમ્યાન ઉપયોગી ચર્ચાઓમાં રચનાત્મક યોગદાન આપવાની અપીલ કરી હતી. આ સેશનમાં વિપક્ષો જુદા-જુદા મુદ્દે જબરદસ્ત હંગામો મચાવે એવી શક્યતા છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલાં બીજેપીની વિરુદ્ધ અનેક વિપક્ષો એક મંચ પર આવ્યા છે ત્યારે તેઓ એકસૂરે સરકારનો વિરોધ કરે એવી શક્યતા છે.

વળી, વડા પ્રધાને યુનિફૉર્મ સિવિલ કોડના અમલ પર ખૂબ જ ભાર મૂક્યો અને સાથે જ આ મુદ્દે વ્યાપક ચર્ચાવિચારણા માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે સંસદનું આ સેશન શરૂ થવા જઈ રહ્યું છે. નોંધપાત્ર છે કે અનેક પૉલિટિકલ પાર્ટીઓ યુનિફૉર્મ સિવિલ કોડનો વિરોધ કરી રહી છે.  

આ સેશન જૂના સંસદભવનમાં જ શરૂ થશે અને બાદમાં નવા બિલ્ડિંગમાં શિફ્ટ થશે, એમ જણાવવામાં આવી રહ્યું છે. નવા બિલ્ડિંગનું પીએમ મોદી દ્વારા ૨૮ મેએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોશી દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ૨૩ દિવસ સુધી ચાલનારા આ સેશનમાં કુલ ૧૭ બેઠકો રહેશે. 

વિપક્ષો યુનિફૉર્મ સિવિલ કોડ અને મણિપુરના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાની પૂરેપૂરી કોશિશ કરશે. 

national news india narendra modi new delhi Lok Sabha