07 February, 2024 09:28 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ભારતીય જનતા પક્ષ (બીજેપી)એ આમ આદમી પક્ષ (આપ)ના ધારાસભ્યોને તોડવા માટે પચીસ કરોડ રૂપિયાની ઑફર કરી હોવાનો આક્ષેપ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે કરનાર દિલ્હીનાં શિક્ષણપ્રધાન આતિશી માર્લિનાના ઘરે નોટિસ આપવા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈ કાલે પહોંચી હતી. જોકે તેઓ તેમના નિવાસસ્થાને નહોતાં. આ પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ અને ફરીથી આવવાનું કહ્યું.
બીજી તરફ, દિલ્હી જલ બોર્ડની ટેન્ડર-પ્રક્રિયામાં લાંચ લઈને ગરબડ કરવાના આરોપસર એન્ફોર્સમેન્ટ ડિરક્ટરેટ (ઈડી)એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ અસિસ્ટન્ટ બિભવ કુમાર અને અન્યના ઘરે દરોડા પાડ્યા હતા. આ ટેન્ડર પ્રક્રિયા આમ આદમી પાર્ટીના ચૂંટણી ફન્ડને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનો આરોપ છે. દિલ્હી મિનિસ્ટર આતિશીએ આરોપ લગાવ્યો હતો કે આપ નેતાઓ પર રેઇડ દ્વારા પાર્ટીને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ દરોડા દિલ્હી જલ બોર્ડની ટેન્ડર-પ્રક્રિયામાં કથિત અનિયમિતતા સાથે સંબંધિત છે અને ઈડીએ અગાઉ દિલ્હી જલ બોર્ડના રિટાયર્ડ ચીફ એન્જિનિયર જગદીશ કુમાર અરોરા અને કૉન્ટ્રૅક્ટર અનિલ કુમાર અગ્રવાલની ધરપકડ કરી હતી.