આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ અને ઓડિશામાં મોહન માંઝીએ લીધા શપથ

13 June, 2024 01:44 PM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

ઓડિશામાં પહેલી વાર BJPની સરકાર, ચંદ્રાબાબુ નાયડુ રેકૉર્ડ ચોથી વાર આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા, બેઉ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા

શપથવિધિ સમારોહમાં આંધ્ર પ્રદેશના નવા મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ તથા જન સેના પાર્ટીના ચીફ પવન કલ્યાણ અને ​અભિનેતા ચિરંજીવી સાથે નરેન્દ્ર મોદી (ઉપર), ચંદ્રાબાબુ નાયડુના શપથવિધિ સમારોહમાં રજનીકાંતને ઉમળકાભેર મળતા નરેન્દ્ર મોદી, ભુવનેશ્વરમાં ઓડિશાના નવા મુખ્ય પ્રધાન મોહન ચરણ માંઝીના શપથવિધિ સમારોહમાં નરેન્દ્ર મોદી

આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ અને ઓડિશામાં મોહન માંઝીએ ગઈ કાલે મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. ઓડિશામાં પહેલી વાર ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બની છે. ઓડિશામાં BJPએ નવીન પટનાયકને હરાવીને સત્તા મેળવી છે, તેઓ વર્ષ ૨૦૦૦થી લગાતાર ૨૪ વર્ષ અને ૯૮ દિવસ મુખ્ય પ્રધાન રહ્યા હતા. ઓડિશામાં મોહન ચરણ માંઝી સાથે બે નાયબ મુખ્ય પ્રધાન અને ૧૩ પ્રધાનોએ શપથ લીધા હતા. કે. વી. સિંહ દેવ અને પ્રવાતી પરિદાને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત ઘણા કેન્દ્રીય પ્રધાનો બેઉ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેસમ પાર્ટી (TDP)ના એન. ચંદ્રાબાબુ નાયડુએ વ્યક્તિગત રીતે ચોથી વાર મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. આંધ્ર પ્રદેશના સૌથી વધુ વાર મુખ્ય પ્રધાન બનવાનો રેકૉર્ડ તેમના નામે થયો છે. તેમણે રાજ્યના ૨૪મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ શપથવિધિમાં નાયડુ ઉપરાંત જનસેના પાર્ટીના નેતા અને ઍક્ટર પવન કલ્યાણે પણ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્રીજા નંબર પર ચંદ્રાબાબુ નાયડુના પુત્ર નારા લોકેશે શપથ લીધા હતા. સરકારમાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન સહિત પચીસ મેમ્બર હશે જેમાં TDPના ૨૦, જનસેના પાર્ટીના ૩ અને BJPના એક પ્રધાને શપથ લીધા હતા. એક પદ ખાલી રાખવામાં આવ્યું છે.

આંધ્ર પ્રદેશમાં વિજયવાડાના કેસરપલ્લી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી પાર્કમાં આ શપથ સમારોહ યોજાયો હતો. ઍક્ટર ચિરંજીવી, તેમનો સુપરસ્ટાર પુત્ર રામ ચરણ અને સુપર સ્ટાર રજનીકાંત પણ ઉપસ્થિત રહ્યા હતા.

શપથ લીધા બાદ મોદીએ નાયડુને ગળે લગાવીને અભિનંદન આપ્યાં હતાં. પવન કલ્યાણે મોદીને તેમના મોટા ભાઈ ચિરંજીવીની ઓળખાણ કરાવી હતી અને મોદીએ બેઉ ભાઈઓને બાથમાં ભરી લીધા હતા જે દૃશ્ય અવર્ણનીય હતું.

bharatiya janata party andhra pradesh odisha telugu desam party n chandrababu naidu chiranjeevi rajinikanth national news political news