“નરેન્દ્ર મોદી આઝાદ ભારતના સૌથી મોટા નેતા”

12 March, 2017 07:00 AM IST  | 

“નરેન્દ્ર મોદી આઝાદ ભારતના સૌથી મોટા નેતા”



ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં BJPના વિજયના વ્યૂહરચનાકાર અને પક્ષના વડા અમિત શાહે ગઈ કાલે જાહેરાત કરી હતી કે ‘રવિવારે સાંજે યોજાનારી પક્ષના સંસદીય બોર્ડની બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રધાનની પસંદગી કરવામાં આવશે. મુખ્ય પ્રધાનની પસંદગીનો ફેંસલો યોગ્યતાને આધારે કરવામાં આવશે.’

પોતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનશે એવી અટકળ પર અમિત શાહે આ જાહેરાત સાથે પૂર્ણવિરામ મૂક્યું હતું અને જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી એ પૈકીનાં ચારમાં BJPની સરકાર રચાશે એવો દાવો પણ તેમણે કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આઝાદ ભારતના સૌથી મોટા નેતા ગણાવતાં તેમણે કહ્યું હતું કે ‘BJPની જીત નરેન્દ્ર મોદીના નેતૃત્વની અને પક્ષના કરોડો કાર્યકરોની મહેનતની જીત છે. નોટબંધી, જન ધન યોજના, શૌચાલય અને ગામેગામ વીજળી પહોંચાડવાને કારણે લોકોના મનમાં નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધાનું નિર્માણ થયું છે.’

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદના દાવેદારો બાબતે અમિત શાહે કોઈ વાત કરી નહોતી. જોકે તેમણે ચોખવટ કરી હતી કે તેઓ ઉત્તર પ્રદેશના મતદાતા પણ નથી અને તેઓ મુખ્ય પ્રધાન પણ બનવાના નથી.

નોટબંધીના નિર્ણયને મળી લોકોની મંજૂરી : અમિત શાહ

અમિત શાહના જણાવ્યા મુજબ નોટબંધીને મુદ્દે વિરોધ પક્ષો તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો, પણ એ પછી નરેન્દ્ર મોદીએ નોટબંધી વિશેનો પોતાનો અભિપ્રાય લોકો સમક્ષ રજૂ કર્યો હતો. નોટબંધીના મુદ્દે દેશના નાગરિકોએ અને ખાસ કરીને ગરીબોએ વડા પ્રધાનને સજ્જડ ટેકો આપ્યો છે એમ અમિત શાહે કહ્યું હતું.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના દરેક તબક્કામાં BJPનો વિજય થયો હોવાનું જણાવતાં અમિત શાહે કહ્યું હતું કે ‘પહેલા તબક્કા બાદ BJPએ એમ કહ્યું કે અમે ૯૦ બેઠકો જીતી રહ્યા છીએ ત્યારે એ વાતને મજાક ગણવામાં આવી હતી. ગાંધીપરિવારનો ગઢ ગણાતા અમેઠીની ૧૦ બેઠકો પૈકીની મોટા ભાગની બેઠકો BJP જીતી છે એ આનંદની વાત છે.’