યુપીએને વારસામાં મળેલી ધમધમતી ઇકૉનૉમી, એને બનાવી નૉન-પર્ફોર્મિંગ

09 February, 2024 08:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આવું કહેવાયું છે સંસદમાં રજૂ કરાયેલા યુપીએ કાળનાં દસ વર્ષ દરમ્યાનના અર્થતંત્ર પરના વાઇટ પેપરમાં

સંસદ ભવન

નવી દિલ્હી : કેન્દ્રએ ગઈ કાલે સંસદમાં યુપીએ સરકારના ૨૦૦૪થી ૨૦૧૪ સુધીના કાર્યકાળમાં અર્થતંત્ર વિશેનું એક શ્વેત પત્ર રજૂ કર્યું હતું. વાઇટ પેપરમાં કહેવામાં આવ્યું છે કે યુપીએ સરકારને એક સ્વસ્થ અર્થતંત્ર વારસામાં મળ્યું હતું, પરંતુ આ તૈયાર અર્થતંત્રને તેમણે ૧૦ વર્ષમાં બિન-કાર્યક્ષમ બનાવી દીધું હતું. યુપીએ ક્યારેય ૧૯૯૧ના સુધારાનો શ્રેય લેવાનું નથી ભૂલતું, પણ ૨૦૦૪માં સત્તામાં આવ્યા બાદ એના પર ભાગ્યે જ કામ થયું હતું. કેન્દ્રએ કહ્યું કે યુપીએ ૨૦૦૮ની વૈશ્વિક નાણાકીય કટોકટી બાદ કોઈ પણ રીતે આર્થિક વૃદ્ધિ જાળવી રાખવામાં નિષ્ફળ ગયું હતું અને મૅક્રો-ઇકૉનૉમિક્સને નબળું પાડ્યું હતું.

શ્વેત પત્રનાં પ્રથમ ૨૪ પેજમાં યુપીએ સરકારની આર્થિક નિષ્ફળતાઓ અને ૧૦ વર્ષમાં થયેલા ભ્રષ્ટાચારની વિગત આપવામાં આવી હતી. ૨૫મા પેજથી બીજેપી સરકાર દ્વારા આર્થિક સુધારણા માટે લેવામાં આવેલાં પગલાંની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. એમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યારે બીજેપીએ ૨૦૧૪માં સત્તા સંભાળી ત્યારે અર્થતંત્રના પાયા નબળા હતા. સરકારે દેશને વિકાસના માર્ગ પર આગળ વધવામાં અને એના મૅક્રો-ઇકૉનૉમિક પાયાને મજબૂત બનાવવા માટે કામ કરવાનું શરૂ કર્યું હતું.

શ્વેત પત્રમાં કહેવામાં આવ્યું છે કે હજી તો અમૃતકાળની શરૂઆત થઈ છે અને અમારું લક્ષ્ય ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. આ આપણો કર્તવ્યકાળ છે. બીજેપી સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓને કારણે ભારત નબળી પાંચ ઇકૉનૉમીમાંથી ટૉપ ફાઇવ ઇકૉનૉમીમાં પહોંચ્યું છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા કેટલી આગળ વધી છે એનો અંદાજ એના જીડીપી રૅન્કિંગ પરથી લગાવી શકાય છે. વાજપેયી સરકારના સુધારાની અસરોમાં રાચતી યુપીએ સરકારના કાર્યકાળમાં અર્થતંત્રએ બૅડ લોન, ઊંચી રાજકોષીય ખાધ, ડબલ ડિજિટ ઇન્ફ્લેશનનો સામનો કર્યો હતો. તેઓને સારી અર્થવ્યવસ્થા વારસામાં મળી હતી અને અમને એક નબળી અર્થવ્યવસ્થા આપી હતી.

national news bharatiya janata party congress parliament Lok Sabha Election 2024