10 June, 2024 09:56 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (10 જૂન) કેબિનેટ પ્રધાનોમાં પોર્ટફોલિયો (Modi Cabinet 3.0 Portfolio)નું વિતરણ કર્યું હતું. મોદી કેબિનેટની પ્રથમ બેઠક બાદ પોર્ટફોલિયોની વહેંચણીના નિર્ણયમાં ભાજપે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે.
કયું મંત્રાલય કોને મળ્યું?
મોદી કેબિનેટમાં અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહને ફરીથી સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. વિદેશ મંત્રાલય (Modi Cabinet 3.0 Portfolio) માત્ર એસ જયશંકર પાસે છે. નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે. અજય તમટા, હર્ષ મલ્હોત્રાને રોડ ટ્રાન્સપોર્ટ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. નિર્મલા સીતારમણને ફરી નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવને રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા છે.
હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરને બે મંત્રાલયો આપવામાં આવ્યા છે. તેમને ઊર્જા અને શહેરી વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે. જીતનરામ માંઝીને MSME મંત્રાલય (Modi Cabinet 3.0 Portfolio) આપવામાં આવ્યું છે. શોભા કરંદલાજે MSME રાજ્ય મંત્રી હશે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે.
કેબિનેટમાં સમાવિષ્ટ નવા મંત્રીઓ સાંજે લગભગ 5 વાગ્યે વડાપ્રધાનના નિવાસ 7, લોક કલ્યાણ માર્ગ પર મોદી 3.0 કેબિનેટની પ્રથમ બેઠકમાં પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જેપી નડ્ડા, પીયૂષ ગોયલ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, એસ જયશંકર, લલન સિંહ, જીતન રામ માંઝી, શિવરાજ સિંહ ચૌહાણ, ચિરાગ પાસવાન, ગિરિરાજ સિંહ સહિત ઘણા નેતાઓએ ભાગ લીધો હતો.
મોદી કેબિનેટની બેઠકમાં પીએમ આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 3 કરોડ ઘર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય તમામ ઘરોમાં એલપીજી અને વીજળી કનેક્શન આપવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ પીએમઓના અધિકારીઓ સાથે બેઠક યોજી
કેબિનેટની બેઠક પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમઓના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “જે ટીમે મને 10 વર્ષમાં આટલું બધું આપ્યું છે તેમાં શું નવું કરી શકાય છે, આપણે કેવી રીતે વધુ સારું કરી શકીએ, આપણે કેવી રીતે ઝડપથી કરી શકીએ, આપણે વધુ સારું કેવી રીતે કરી શકીએ. તે તમામ પાસાઓ ધ્યાનમાં લેવાના રહેશે. હું એક નવી ઊર્જા, નવી હિંમત સાથે આગળ વધવા માગુ છું. હું રોકવા માટે જન્મ્યો નથી.”
વડા પ્રધાન પાસે આ ખાતાં
પીએમ મોદી પાસે વડા પ્રધાન પદ સહિત કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન; અણુ ઊર્જા વિભાગ; અવકાશ વિભાગ; તમામ મહત્વપૂર્ણ નીતિ મુદ્દાઓ અને અન્ય તમામ પોર્ટફોલિયો કોઈને ફાળવવામાં આવ્યા નથી તેનો પણ પ્રભાર છે.