10 June, 2024 06:55 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા
રાષ્ટ્રપતિ ભવનમાં ગઈ કાલે ભવ્ય સમારોહમાં ખાસ આમંત્રિત કરવામાં આવેલા ૮૦૦૦ મહેમાનોની હાજરીમાં નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લઈને ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સતત ત્રણ વખત વડા પ્રધાન બનવાની બરાબરી કરીને ઇતિહાસ રચ્યો હતો. પ્રધાનમંડળમાં ૩૦ કૅબિનેટ, ૩૬ રાજ્યપ્રધાન અને પાંચ રાજ્યના સ્વતંત્ર પ્રભાર પ્રધાન તરીકે ૭૨ સંસદસભ્યોએ શપથ લીધા હતા. નરેન્દ્ર મોદીની આગેવાનીની ત્રીજી સરકારમાં ૨૭ ઓબીસી સંસદસભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ૩૬ વર્ષના આંધ્ર પ્રદેશના કે. રામમોહન નાયડુ સૌથી યુવા તો ૭૮ વર્ષના બિહારના જીતનરામ માંઝી સૌથી મોટી ઉંમરના પ્રધાન છે.
પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવેલાં પંદર નામ ચોંકાવનારાં છે. ગુજરાતમાંથી બે, ઉત્તર પ્રદેશમાંથી ત્રણ, બિહારમાંથી ત્રણ, આંધ્ર પ્રદેશમાંથી ત્રણ તો કર્ણાટક, ઝારખંડ, રાજસ્થાન અને દિલ્હીમાંથી એક-એક સંસદસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમનાં નામની કોઈએ કલ્પના નહોતી કરી. નવી સરકારના પ્રધાનમંડળમાં ગુજરાતના પાંચ તો મહારાષ્ટ્રના છ સંસદસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.