22 October, 2024 07:57 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ બાદ તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને લોકોને બેથી વધારે બાળકો પેદા કરવાની અપીલ કરી છે. સ્ટૅલિને તો ગઈ કાલે એક સામૂહિક વિવાહના કાર્યક્રમમાં નવદંપતીઓને ૧૬-૧૬ બાળકો પેદા કરવાની અપીલ કરી હતી. શનિવારે ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે વધારે જનસંખ્યા સંપત્તિ છે, બોજ નથી.
ચેન્નઈમાં હિન્દુ ધાર્મિક અને ધર્માર્થ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં એમ. કે. સ્ટૅલિન સામેલ થયા હતા. અહીં ૩૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. એ સમયે સ્ટૅલિને કહ્યું હતું કે પહેલાંના જમાનામાં નવદંપતીઓને ૧૬ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપવામાં આવતા હતા, પણ હવે સમય આવી ગયો છે કે નવદંપતીઓ ૧૬ બાળકો પેદા કરે.
૧૬ પ્રકારની સંપત્તિ શું હોય એ મુદ્દે બોલતાં સ્ટૅલિને કહ્યું હતું કે ‘અગાઉના વૃદ્ધો અને મોટી ઉંમરના લોકો ગાય, ઘર, પત્ની, સંતાન, શિક્ષણ, જિજ્ઞાસા, જ્ઞાન, અનુશાસન, ભૂમિ, જળ, આયુષ્ય, વાહન, સોનું, સંપત્તિ, પાક અને પ્રશંસા સહિતની સમૃદ્ધિની વાત કરતા હતા. હું નવદંપતીઓને ૧૬ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત કરવાના આશીર્વાદ નથી આપતો, પણ કેવળ પર્યાપ્ત બાળકો પેદા કરવાના અને સમૃદ્ધ જીવન જીવવાના આશીર્વાદ આપું છું.’
ચંદ્રાબાબુ નાયડુએ શું કહ્યું હતું?
શનિવારે અમરાવતીમાં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુએ સભાને સંબોધતાં કહ્યું હું કે ‘૨૦૪૭ સુધીમાં રાજ્યમાં ઘરડા લોકોની સંખ્યા વધી જશે એટલે હાલનાં દંપતીઓ માત્ર બે નહીં, એનાથી પણ વધારે સંતાનો પેદા કરે જેથી સમતુલા જળવાઈ રહે. વધારે જનસંખ્યા સંપત્તિ છે, બોજ નથી. દંપતીઓએ કુટુંબનિયોજન અપનાવવાની જરૂર નથી. અમે જલદી એવો કાયદો લાવીશું જેમાં બેથી વધારે બાળકો ધરાવતા પરિવારોનું સન્માન કરવામાં આવશે. સુધરાઈ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં બેથી વધારે બાળકો ધરાવતા ઉમેદવારો પણ ચૂંટણી લડી શકશે.’