સગીર બાળકી પર પાંચ વર્ષ સુધી થયેલા જાતીય અત્યાચારના કેસમાં ૪૪ જણની ધરપકડ

16 January, 2025 12:59 PM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

૬૨ જણ સામે ૩૦ FIR નોંધાયા, ૫૯ આરોપીની ઓળખ થઈ, બે આરોપી વિદેશ નાસી ગયા, ૧૩ની ધરપકડ કરવાની બાકી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કેરલાના પથનમથિટ્ટા જિલ્લામાં દલિત છોકરી પર પાંચ વર્ષ સુધી કથિત જાતીય શોષણના કેસમાં તપાસ કરી રહેલી કેરલા પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ૫૯માંથી ૪૪ આરોપીઓની ધરપકડ કરી છે. ૧૩ જણની ધરપકડ કરવાની બાકી છે. બે આરોપી ફરાર છે અને તેઓ હાલમાં વિદેશમાં રહેતા હોવાથી તેમના વિરોધમાં લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવાની અથવા ઇન્ટરપોલ દ્વારા રેડ-કૉર્નર નોટિસ મોકલવાની વિચારણા ચાલી રહી છે.

આ છોકરી ૧૩ વર્ષની હતી ત્યારે તેના પાડોશીએ તેના પર બળાત્કાર કર્યો હતો અને ત્યારથી તેનું જાતીય શોષણ થઈ રહ્યું છે. કુલ ૬૨ લોકોએ તેના પર જાતીય અત્યાચાર ગુજાર્યો છે. આમાંથી ૫૯ની ઓળખ થઈ ચૂકી છે. તેના પર પાંચ વાર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે જેમાં કારમાં, રબરના બગીચામાં અને સરકારી હૉસ્પિટલમાં પણ બે કે એથી વધારે લોકોએ તેને હવસનો શિકાર બનાવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ગયા વર્ષે તે બારમા ધોરણમાં ભણતી હતી ત્યારે ઇન્સ્ટાગ્રામ પર તેને ઓળખનારો રન્ની નામનો યુવાન તેને રબરના બગીચામાં લઈ ગયો હતો અને ત્રણ લોકોએ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો.

કૉલેજમાં આ છોકરીનું વર્તન બદલાયા બાદ બાળ કલ્યાણ સમિતિને જાણ કરવામાં આવતાં કાઉન્સેલરો સમક્ષ છોકરીએ તેના પર થતા અત્યાચારની જાણકારી આપી હતી અને એના પગલે ૩૦ જેટલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યા હતા.

kerala crime news sexual crime Protection of Children from Sexual Offences Act POCSO national news news