10 March, 2023 01:02 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગૌતમ અદાણી ફાઇલ તસવીર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સિનિયર કૉર્પોરેટ લૉયર સોમશેખર સુંદરેસનની બૉમ્બે હાઈ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવા માટે બબ્બે વખત કેન્દ્ર સરકારને ભલામણ મોકલી હતી, પણ કેન્દ્ર સરકારે એને માટે મંજૂરી આપી નહીં. જોકે રોચક વાત એ છે કે ગૌતમ અદાણી-હિંડનબર્ગ રિસર્ચના ઘટનાક્રમના પગલે માર્કેટ રેગ્યુલેશન્સના માળખાનો અભ્યાસ કરવા માટેની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ એ. એમ. સાપરેના નેતૃત્વમાં ૬ સભ્યોની કમિટીમાં સુંદરેસનની નિમણૂક કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બૉમ્બેમાં જજ તરીકે તેમની નિમણૂક માટે ભલામણ કરી હતી, પરંતુ ૯ મહિના સુધી એના પર સરકારે કોઈ નિર્ણય નહોતો લીધો. કોલેજિયમે તેમના નામની ફરી ભલામણ કરી તો કેન્દ્ર સરકારે એને ફગાવી દીધી હતી. સુંદરેસન સામે સરકારને વાંધો એ છે કે તેઓ ‘અત્યંત પક્ષપાતી અને દુરાગ્રહી વ્યક્તિ’ છે. એ સિવાય તેઓ સોશ્યલ મીડિયા પર સરકારની મહત્ત્વની નીતિઓ, પહેલ અને આદેશોની ટીકા કરે છે. અદાણી-હિંડનબર્ગ કેસ સંબંધે નિમાયેલી આ કમિટીને માત્ર અદાણી ગ્રુપને સંબંધિત ફરિયાદો નહીં, પરંતુ માર્કેટની રેગ્યુલેશનની વ્યવસ્થાની ચકાસણી કરવાનું કહેવામાં આવ્યું છે. આ કમિટીને એ તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે કે અદાણી ગ્રુપ અને અન્ય કંપનીઓ સંબંધે રેગ્યુલેશન વ્યવસ્થા નિષ્ફળ ગઈ હતી કે નહીં. ૧૯૯૬માં મુંબઈની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી લૉનો અભ્યાસ કરનાર સુંદરેસન પત્રકાર પણ રહ્યા છે અને પાંચ વર્ષ સુધી તેમણે જર્નલિઝમ પણ કર્યું છે. એ પછી તેમણે વકીલ તરીકે પ્રૅક્ટિસ શરૂ કરી હતી.