છેલ્લાં ૩૬ વર્ષમાં આ વર્ષનો મે મહિનો સૌથી હૉટેસ્ટ રહ્યો

10 June, 2024 07:18 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ વર્ષે મે મહિનામાં દેશમાં સરેરાશ તાપમાન ૩૭.૩ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પણ છેલ્લાં ૩૬ વર્ષમાં મે મહિનો સૌથી ગરમ રહ્યો હતો. એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો આંક વધારે જ રહ્યો હતો એમ હવામાન ખાતાએ જણાવ્યું હતું. આ વર્ષે એપ્રિલ મહિનામાં સરેરાશ તાપમાન ૩૫.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે ૨૦૦૪ના ૩૫.૦ ડિગ્રી, ૨૦૦૯ના ૩૫.૫ ડિગ્રી અને ૨૦૧૪ના ૩૫.૩ ડિગ્રી  સેલ્સિયસ કરતાં વધારે હતું, પણ ૨૦૧૯ના ૩૫.૭ ડિગ્રી કરતાં ઓછું રહ્યું હતું.

આ વર્ષે મે મહિનામાં દેશમાં સરેરાશ તાપમાન ૩૭.૩ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ૧૯૮૮માં તાપમાન ૩૭.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાના ડેટા જણાવે છે કે ઘણાં સ્ટેશનો પર તાપમાનના નવા રેકૉર્ડ નોંધાયા હતા. ૩૧ મેએ અલ્વરમાં તાપમાન ૪૬.૫ ડિગ્રી, બિલાસપુરમાં ૪૬.૮ ડિગ્રી અને બુલંદશહરમાં ૪૬ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. મે મહિનામાં ઉત્તરાખંડના દેહરાદૂનમાં તાપમાન ૪૩.૨ ડિગ્રી રહ્યું હતું. ઉનાળાની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે ગરમી પડી હતી, પણ પછી ઉત્તર ભારતમાં ગરમીનો પારો વધી ગયો હતો. માર્ચ અને એપ્રિલમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણના કેટલાક ભાગો સૂર્યના બરાબર સામે આવે છે જેથી ભીષણ ગરમી પડે છે. વળી મે અને જૂનમાં પણ સૂર્યદેવ બરાબર ઉત્તર ભારતની ઉપર જ હોય છે એટલે આ વિસ્તારોમાં ભારે ગરમીનો પ્રકોપ દેખાય છે. ઘણા વિસ્તારોમાં તાપમાન ૪૦થી ૪૫ ડિગ્રી સુધી રહે છે જેને કારણે આ વખતે મતદાનની ટકાવારી પર પણ અસર પડી હતી.

national news Weather Update indian meteorological department india