13 February, 2023 11:03 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આ છે મારું ધર્મનિરપેક્ષ ભારત અજમેરમાં ગઈ કાલે સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પાસેથી કૂચ કરી રહેલા આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના સ્વયંસેવકો પર મુસ્લિમોએ ફૂલની પાંખડીઓ વરસાવી હતી. તસવીર પી.ટી.આઇ.
નવી દિલ્હીઃ નવી દિલ્હીના રામલીલા મેદાનમાં ગઈ કાલે જમિયત ઉલેમા-એ-હિન્દની ૩૪મી સામાન્ય સભામાં સ્ટેજ પર એક વિવાદ સરજાયો હતો. મૌલાના અરશદ મદનીએ મોહન ભાગવતની ટીકા કરતાં જણાવ્યું હતું કે અલ્લાહ અને ઓમ એક છે. જોકે આ વાત સાંભળીને જૈન અને બીજા ધર્મોના ધર્મગુરુઓ સ્ટેજ પરથી જતા રહ્યા હતા.
મદનીએ કહ્યું હતું કે ‘મેં મોટા-મોટા ધર્મગુરુઓને પૂછ્યું હતું કે જ્યારે કોઈ નહોતું; ન તો શ્રીરામ કે ન તો બ્રહ્મા કે ન તો શિવ, ત્યારે સવાલ થાય છે? એ સમયે મનુ કોને પૂજતા હતા? કોઈ કહે છે કે શિવને પૂજતા હતા. બહુ ઓછા લોકો જણાવે છે કે મનુ નામ દુનિયામાં નહોતું ત્યારે તેઓ ઓમને પૂજતા હતા ત્યારે મેં કહ્યું હતું કે ઓમ કોણ છે? તો પછી અનેક લોકોએ જણાવ્યું કે એ એક હવા છે. જેનું કોઈ સ્વરૂપ કે રંગ નથી. દુનિયામાં બધી જગ્યાએ છે. જેમણે આકાશ બનાવ્યું, ધરતી બનાવી. ત્યારે મેં કહ્યું કે અરે, એમને જ તો અમે અલ્લાહ કહીએ છીએ, ફારસી બોલનારા ખુદા અને ઇંગ્લિશમાં બોલનારા ગૉડ કહે છે.’
આ પણ વાંચો: મજબૂરીમાં ગૌમાંસ ખાનારા લોકોની ઘરવાપસી થઈ શકે છે
જૈન મુનિ આચાર્ય લોકેશમુનિએ મદનીના આ વાતનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ‘આ સામાન્ય સભાનો હેતુ લોકોને જોડવાનો હોવાનું કહેવામાં આવ્યું છે ત્યારે આવા વાંધાજનક શબ્દો શા માટે?’ ત્યાર બાદ તેઓ કાર્યક્રમમાંથી ઊભા થઈને જતા રહ્યા. જેના પછી બીજા ધર્મોના સંતોએ પણ સ્ટેજ છોડી દીધું હતું.