કંગનાને તમાચો મારનાર કૉન્સ્ટેબલને સપોર્ટ કર્યો કિસાન નેતાઓએ

08 June, 2024 08:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મ્યુઝિક-ડિરેક્ટર વિશાલ દાદલાણીએ કુલવિન્દર કૌરને જૉબ ઑફર કરી, જોકે ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે આ સ્થિતિ ભયજનક છે

કંગના રનૌતે ગઈ કાલે અઢારમી લોકસભાનાં સદસ્ય તરીકેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ઓળખપત્ર મેળવીને તે ખુશખુશાલ થઈ ગઈ હતી. ગઈ કાલે જ દિલ્હીના સંવિધાન સદનમાં યોજાયેલી NDAના ઘટક પક્ષોની બેઠકમાં તેનો ભેટો લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન સાથે થયો હતો. બન્નેએ ૨૦૧૧માં બૉલીવુડની ફિલ્મ ‘મિલે ના મિલે હમ’માં સાથે કામ કર્યું હતું.

ચંડીગઢ ઍરપોર્ટ પર અભિનેત્રી અને સંસદસભ્ય કંગના રનૌતને તમાચો મારનાર સેન્ટ્રલ ઇન્ડ​સ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ની મહિલા કૉન્સ્ટેબલના સમર્થનમાં કિસાન નેતાઓ સહિત ઘણા લોકો આવ્યા છે. સંગીતકાર વિશાલ દાદલાણીએ સસ્પેન્ડેડ કૉન્સ્ટેબલને જૉબ ઑફર કરી છે. વિશાલ દાદલાણીએ સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં કુલવિન્દર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તમારી માતા ૧૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે એવું કોઈ કહે તો તમારી શું પ્રતિક્રિયા હશે?  

ચંડીગઢ ઍરપોર્ટની ગુરુવારની ઘટના બાદ કૉન્સ્ટેબલ કુલવિન્દર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી હતી તથા ત્યાર બાદ તેની સામે પોલીસ-ફરિયાદ પણ નોંધાઈ હતી અને તેની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે પંજાબના કિસાન નેતાઓ પણ કુલવિન્દરના સપોર્ટમાં આગળ આવ્યા હતા. સંયુક્ત કિસાન મોરચાના નેતા જગજીત સિંહ ડાલેવાલ તથા કિસાન મજદૂર સંઘર્ષ કમિટીના જનરલ સેક્રેટરી સરવણ સિંહ પંઢેરે કૉન્સ્ટેબલને ટેકો આપ્યો હતો. ડાલેવાલે ચંડીગઢમાં કહ્યું હતું કે મહિલા કૉન્સ્ટેબલ સાથે અન્યાય થાય નહીં એ માટે યોગ્ય તપાસ થાય એવી અમારી માગણી છે, જ્યારે પંઢેરે કહ્યું હતું કે કંગનાએ પોતાનાં નિવેદનો દ્વારા પંજાબની વૃદ્ધ મહિલાઓનું અપમાન કર્યું હતું. ડાલેવાલ અને પંઢેરે પંજાબમાં આતંકવાદ વકરી રહ્યો હોવાના નિવેદન બદલ કંગનાની ટીકા કરી હતી. કુલવિન્દરે કિસાન આંદોલન વખતે કંગનાએ આપેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં થપ્પડ મારી હતી. એ વખતે કંગનાએ કહ્યું હતું કે કિસાન-આંદોલનમાં ધરણા પર બેસવા માટે ૧૦૦-૧૦૦ રૂપિયામાં મહિલાઓને લાવવામાં આવે છે. કુલવિન્દરે કહ્યું હતું કે એ મહિલા મારી માતા હતી. આ ઘટના બાદ પંજાબમાં મોટી સંખ્યામાં લોકોએ કૉન્સ્ટેબલને સપોર્ટ કર્યો હતો. 

દરેક સમજુ માણસ કંગના સાથે જે બન્યું એની ટીકા કરશે : વિવેક અગ્નિહોત્રી
ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ ચંડીગઢ ઍરપોર્ટ પ્રકરણમાં કંગના રનૌતને સપોર્ટ કર્યો હતો. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે લખ્યું હતું કે કોઈ પણ સમજુ માણસ કંગના સાથે જે બન્યું એની ટીકા કરશે, કારણ કે માત્ર સમજુ લોકોને જ સમજાશે કે આ કેટલી ભયજનક સ્થિતિ છે. 

મૌન રહેવા બદલ કંગનાએ બૉલીવુડની ઝાટકણી કાઢી

બીજી તરફ કંગનાએ ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટમાં ઍરપોર્ટ પ્રકરણમાં ચૂપ રહેવા બદલ બૉલીવુડની ટીકા કરી હતી. તેણે લખ્યું હતું કે ઍરપોર્ટ પર મારા પર હુમલો થયા પછી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના લોકો ચૂપ રહ્યા તો કેટલાકે સેલિબ્રેટ પણ કર્યું, પણ યાદ રાખજો કાલે તમે રસ્તા પર ફરતા હશો અને કોઈ ઇઝરાયલી કે પૅલે​સ્ટિની તમારા પર અટૅક કરશે ત્યારે હું તમારી અભિવ્યક્તિની આઝાદી માટે લડીશ.

national news chandigarh kangana ranaut vivek agnihotri