Mann Ki Baat: પીએમ મોદીએ દેશના યુવાનોને આપી ખાસ સલાહ, જાણો...

24 September, 2023 02:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ `મન કી બાત`માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમણે ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણથી લઈને G20ના સફળ સંગઠન સુધીની દરેક બાબતો વિશે વાત કરી

ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ `મન કી બાત` (Mann Ki Baat)માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમણે ચંદ્રયાન-3 (Chandrayaan-3)ના ચંદ્ર પર ઉતરાણથી લઈને G20ના સફળ સંગઠન (G20 Summit) સુધીની દરેક બાબતો વિશે વાત કરી. આજે `મન કી બાત` કાર્યક્રમનો 105મો એપિસોડ હતો. G20ની અપાર સફળતા બાદ આ પહેલો મન કી બાત કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ જણાવ્યું કે કેવી રીતે તેમને દેશના ખૂણે-ખૂણેથી સંદેશા મળી રહ્યા છે.

પીએમ મોદી (Narendra Modi)એ કહ્યું કે, “ફરી એકવાર મને મારા દેશ અને દેશવાસીઓની સફળતા શેર કરવાની તક મળી છે. આ દિવસોમાં, મને ચંદ્રયાન-3ના લેન્ડિંગ અને દિલ્હીમાં G20ના સફળ સંગઠનને લગતા મોટાભાગના સંદેશા મળ્યા છે. મને સમાજના દરેક વર્ગ તરફથી ઘણા સંદેશા મળ્યા છે. કરોડો લોકોએ ચંદ્રયાન-3નું લેન્ડિંગ જોયું. ઈસરોની યુટ્યુબ ચેનલ પર 80 લાખ લોકોએ આ સમગ્ર ઘટના જોઈ. આ પોતાનામાં એક રેકૉર્ડ છે.”

`ચંદ્રયાન-3 મહા ક્વિઝ`માં ભાગ લેવા અપીલ

વડાપ્રધાન મોદીએ તેમના રેડિયો કાર્યક્રમમાં કહ્યું કે, “ચંદ્રયાન-3ની સફળતા દર્શાવે છે કે લોકો આ મિશનને કેટલો પ્રેમ કરે છે. આ મિશનની સફળતા બાદ દેશમાં એક સ્પર્ધા પણ ચાલી રહી છે, જેનું નામ છે `ચંદ્રયાન-3 મહા ક્વિઝ`. આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં 15 લાખ લોકોએ ભાગ લીધો છે.” તેમણે લોકોને પણ આ મહા ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી, કારણ કે તેને સમાપ્ત થવામાં હજુ છ દિવસ બાકી છે.

`G20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામ` 26 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાશે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “ખાસ કરીને G20 ઇવેન્ટ સાથે ભારતીય યુવાનો જે રીતે જોડાયેલા છે તેની ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે. આખા વર્ષ દરમિયાન દેશની વિવિધ યુનિવર્સિટીઓમાં G20 સંબંધિત કાર્યક્રમો યોજાયા હતા. આ શ્રેણીમાં હવે દિલ્હીમાં એક અન્ય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે, જેનું નામ છે `G20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામ`. આના દ્વારા દેશભરની યુનિવર્સિટીના લાખો વિદ્યાર્થીઓ એકબીજા સાથે જોડાશે. તેમાં IIT, IIM, NIT અને મેડિકલ કૉલેજ સહિત ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓ ભાગ લેશે.

પીએમ મોદીએ કહ્યું કે, “આ કાર્યક્રમ 26 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે. યુવાનોએ આ કાર્યક્રમને માત્ર જોવો જ નહીં, પરંતુ તેની સાથે જોડાવું જોઈએ. આ કાર્યક્રમમાં ભારતીય યુવાનોના ભવિષ્યને લઈને ઘણી રસપ્રદ બાબતો થવા જઈ રહી છે. હું પોતે આ કાર્યક્રમમાં ભાગ લઈશ. હું મારા કૉલેજના વિદ્યાર્થીઓ સાથેની વાતચીત કરવા રાહ જોઈ રહ્યો છું.”

ટૂરિઝમ ડે પર PMએ શું કહ્યું?

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, “27 સપ્ટેમ્બરે વિશ્વ પર્યટન દિવસ છે, કેટલાક લોકો પર્યટનને માત્ર જોવાલાયક સ્થળો તરીકે જ જુએ છે, પરંતુ પર્યટનનું એક બહુ મોટું પાસું રોજગાર સાથે જોડાયેલું છે. હું આપ સૌને વિનંતી કરું છું કે જ્યારે પણ તમે ક્યાંક ફરવાનું આયોજન કરો તો ભારતની વિવિધતા જોવાનો પ્રયાસ કરો. G20ની સફળતા બાદ ભારતમાં લોકોની રુચિ વધુ વધી છે. ભારતમાં ઘણી બધી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સંખ્યા વધીને 42 થઈ ગઈ છે.”

narendra modi mann ki baat g20 summit chandrayaan 3 india national news