મણિશંકર ઐયરના પાકિસ્તાનપ્રેમ બાબતે કૉન્ગ્રેસે હાથ ખંખેરી નાખ્યા

11 May, 2024 10:11 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન પાસે ઍટમબૉમ્બ છે એટલે એને સન્માન આપવું જોઈએ એવું બોલ્યા હતા આ નેતાજી

મણિશંકર ઐયર

વિવાદિત નિવેદનો આપવા માટે નામીચા કૉન્ગ્રેસના નેતા મણિશંકર ઐયરે લોકસભાની ચૂંટણી સમયે તેમના પાકિસ્તાનપ્રેમને દર્શાવતું નિવેદન આપ્યું છે, પણ કૉન્ગ્રેસે આ મુદ્દે એના હાથ ખંખેરી નાખ્યા છે અને કહ્યું છે કે આ નિવેદન પાર્ટીનું નથી.

મણિશંકર ઐયરે કહ્યું હતું કે પાકિસ્તાન પાસે પરમાણુ બૉમ્બ છે અને તેથી એને ઇજ્જત આપવી જોઈએ જેથી એ આપણા પર ઍટમબૉમ્બ ન વરસાવે. કૉન્ગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ પવન ખેડાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે ‘કૉન્ગ્રેસ પાર્ટી મણિશંકર ઐયરના નિવેદનથી પોતાને અલગ રાખે છે અને એનાથી સંપૂર્ણપણે અસહમત છે. ઐયરે આ નિવેદનો થોડા મહિના પહેલાં કર્યાં હતાં અને હાલમાં એને ફરી બહાર લાવવામાં આવ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રોજ જે ભૂલો કરે છે એને ઢાંકવા માટે BJP આવી જૂની વાતો બહાર લાવે છે. મણિશંકર ઐયર કૉન્ગ્રેસ પાર્ટી વતી કોઈ પણ કૅપેસિટીમાં વાત કરતા નથી.’

આ પહેલાં ગઈ કાલે BJPએ ઐયરના પાકિસ્તાનપ્રેમ વિશે આકરી ટીકા કરતાં કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનથી ડરવું જોઈએ એમ ઐયર કહે છે, જે કૉન્ગ્રેસની વિચારધારા દર્શાવે છે.
વાઇરલ થયેલા વિડિયોમાં એક મુલાકાતમાં ઐયર એમ જણાવે છે કે ‘ભારતે પાકિસ્તાનને સન્માન આપવું જોઈએ, કારણ કે એની પાસે અણુબૉમ્બ છે. જો આપણે તેમને સન્માન નહીં આપીએ તો તેઓ ભારત વિરુદ્ધ બૉમ્બનો ઉપયોગ કરી શકે એમ છે. જો કોઈ પાગલ માણસ સત્તામાં આવે અને તે બૉમ્બનો ઉપયોગ કરે તો એ આપણા માટે સારું નથી. તમારે તેમની સાથે વાતચીત કરવી જોઈએ, પણ આપણે તેમની સામે મિલિટરી ઍક્શનની વાત કરીએ છીએ.’

national news congress pakistan india