20 June, 2022 08:42 AM IST | Gurugram | Gujarati Mid-day Correspondent
બ્લૅન્ક ચેક
ગુરુગ્રામમાં પોતાની જાતને એક હિન્દુ સંગઠનનો ચીફ ગણાવનારા એક સ્થાનિક વ્યક્તિએ ટ્વિટર પર બે પોલીસને રૂપિયા ઑફર કર્યા છે. તેણે એક ટ્વીટમાં આ બન્ને પોલીસમેનને ગાયનું સ્મગલિંગ કરનારાઓની વિરુદ્ધ કેસ દાખલ કરવા જણાવ્યું હતું. હવે એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસની છબિ ખરાબ કરનારી આ પોસ્ટ બદલ આ વ્યક્તિની વિરુદ્ધ લીગલ ઍક્શન લેવામાં આવશે.
પોલીસ કમિશનર કલા રામચન્દ્રને કહ્યું હતું કે ‘આ વ્યક્તિની વિરુદ્ધ જુદા-જુદા જિલ્લાઓમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે ઑફિસર્સ અગ્નિપથ યોજનાની વિરુદ્ધનાં પ્રદર્શનોના કારણે બિઝી છે એટલે આ ટ્વીટ અમારા પ્રાયોરિટી લિસ્ટમાં નથી. એક વખત અમે ફ્રી થઈ જઈશું એટલે અમે કાયદા હેઠળ લીગલ ઍક્શન લઈશું.’
આ પોસ્ટ મૂકનારનું નામ ચૌધરી સત પ્રકાશ નૈન છે. તે પોતાની જાતને હિન્દુ સુરક્ષા દળનો નૅશનલ પ્રેસિડન્ટ ગણાવે છે. તેણે તેના ટ્વીટની સાથે બે બ્લૅન્ક ચેકનો ફોટોગ્રાફ પણ પોસ્ટ કર્યો હતો.
તેણે ટ્વીટમાં લખ્યું હતું કે ‘ગુડગાંવ પોલીસ, મહેરબાની કરીને મને કહો કે સ્મગલર્સે મને મારવા માટે કેટલા રૂપિયા આપ્યા છે. તેમનાથી વધારે રૂપિયા આપીશ હુમલાખોરો પર કેસ દાખલ કરો. આ બ્લૅન્ક ચેકના ફોટોગ્રાફ છે.’