29 January, 2024 09:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હી ઃ વર્ષ ૨૦૨૪ના પ્રથમ ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધિત કરતાં અયોધ્યાનગરીની મહત્ત્વની વાત કરી હતી. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સાથે ગણતંત્ર દિવસ પર મહિલાશક્તિની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાએ આખા દેશને એકતાંતણે બાંધ્યો અને જગતે દર્શન કર્યાં દેશની સમૂહશકિતનાં. આથી જ મેં ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં દેવથી દેશ અને રામથી રાષ્ટ્રની વાત કરી હતી.’
પીએમ મોદીએ કહ્યું કે મહિલાઓએ ન માત્ર ગણતંત્ર દિવસ પર બાજી મારી, પણ દરેક ક્ષેત્રમાં બાજી મારી રહી છે. તેમણે કહ્યું કે ખાસ કરીને સ્વસહાય જૂથની મહિલાઓએ જે કામ કર્યું એ ખૂબ જ સરાહનીય છે. વધુમાં જણાવ્યું કે આજે આપણા બાંધારણને ૭૫ વર્ષ પૂરાં થયાં અને સુપ્રીમ કોર્ટને પણ ૭૫ વર્ષ થઈ રહ્યાં છે. આપણું આ લોકતંત્ર મધર ઑફ ડેમોક્રસીના રૂપમાં ભારતને સશક્ત કરે છે. અયોધ્યાનગરીનું મહત્ત્વ દર્શાવતાં પીએમ મોદીએ કહ્યું કે ‘પ્રાણપ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને જાણે એકતાંતણે બાંધ્યા છે. બધાની ભાવના એક, બધાની ભક્તિ એક, બધાની વાતોમાં રામ, બધાનાં હૃદયમાં રામ. આ દરમ્યાન દેશના અનેક લોકોએ રામભજન ગાઈને પોતાને શ્રીરામનાં ચરણોમાં સમર્પિત કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ૨૨ જાન્યુઆરીની સાંજે પૂરા દેશે દિવાળી ઊજવી.
આજે સવાબે કરોડ સ્ટુડન્ટ્સ સાથે મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે
નવી દિલ્હી (પી.ટી.આઇ.): બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમને સંબોધે છે. ૨૯ જાન્યુઆરીએ કાર્યક્રમની ૭મી આવૃત્તિ યોજાવાની છે એ પહેલાં વડા પ્રધાને જણાવ્યું હતું કે શિક્ષણ અને પરીક્ષાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ‘પરીક્ષા પે ચર્ચા’ એક સારું માધ્યમ બની ગયું છે.
પીએમ મોદીએ આ વિશે જણાવ્યું હતું કે ‘આ વર્ષે ૨.૨૫ કરોડથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વર્ષ ૨૦૧૮માં જ્યારે પ્રથમ વખત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સંખ્યા માત્ર ૨૨,૦૦૦ હતી.’ વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘આ એવો કાર્યક્રમ છે જેની તેઓ હમેશા રાહ જોતા હોય છે, કારણ કે તેમને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની તક મળે છે અને તેઓ પરીક્ષાના તણાવને ઘટાડવાનો પ્રયાસ પણ કરે છે. વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા અને તેમને તણાવથી દૂર રાખવા માટે ઘણા નવીન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હું તમને બધાને, ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓને રેકૉર્ડ સંખ્યામાં જોડાવા માટે વિનંતી કરું છું.’