16 May, 2023 11:32 AM IST | Howrah | Gujarati Mid-day Correspondent
હાવડામાં પત્રકાર-પરિષદને સંબોધતાં મમતા બૅનરજી. તસવીર પી.ટી.આઇ.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવતાં કૉન્ગ્રેસનો ઉત્સાહ વધ્યો છે. વધુમાં તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)નાં સુપ્રીમો અને બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કૉન્ગ્રેસને ટેકો આપવાની તૈયારી બતાવી છે, પણ તેમનું કહેવું છે કે બદલામાં કૉન્ગ્રેસે બંગાળ જેવા રાજ્યમાં ટીએમસીને મદદ કરવી પડશે. મમતા બૅનરજીએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે તમામ વિપક્ષના સભ્યો સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું છે. ગઈ કાલે સચિવાલયમાં એક પ્રેસ-કૉન્ફરન્સને સંબોધન કરતાં તેમણે કહ્યું કે ‘હું કાંઈ જાદુગર નથી કે નથી જ્યોતિષી. હું કહી નથી શકતી કે ભવિષ્યમાં શું થશે, પરંતુ એક વાત કહી શકું છું કે જ્યાં પ્રાદેશિક પક્ષો મજબૂત હોય ત્યાં બીજેપી સફળ નથી થતી. વળી જ્યાં લોકો નિરાશ છે ત્યાં પણ બીજેપી હારે છે. કર્ણાટકનું મતદાન બીજેપી સરકાર સામેનો એક જનાદેશ છે. દેશમાં લોકશાહીના અધિકારને બુલડોઝર નીચે કચડવામાં આવી રહ્યા છે. પહેલવાનોની વાત પણ સાંભળવામાં નથી આવતી. આવી પરિસ્થિતિમાં ભેગા મળીને મુકાબલો કરવો જોઈએ. અમે બંગાળમાં મજબૂત છીએ, તો અમે બંગાળમાં લડીશું, કૉન્ગ્રેસ દિલ્હીમાં લડશે. બિહારમાં નીતીશ અને તેજસ્વી તેમ જ કૉન્ગ્રેસ પણ આવી જ રીતે બીજાં રાજ્યોમાં ભેગા મળીને કામ કરવું પડશે.’