ઉત્તરાખંડના જોશીમઠમાં મોટી દુર્ઘટના, કાર ખાડામાં પડતાં 12 લોકોના મોત

18 November, 2022 08:27 PM IST  |  Dehradun | Gujarati Mid-day Online Correspondent

વધુ લોકો ફસાયા છે કે નહીં તે જાણવાના પ્રયાસો ચાલુ છે

પ્રતીકાત્મક તસવીર

ઉત્તરાખંડ (Uttarakhand)ના જોશીમઠમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જોશીમઠ બ્લોકના ઉરગામ-પલ્લા જાખોલા મોટરવે પર વાહનચાલકે બેલેન્સ ગુમાવી દીધું અને વાહન ખાડામાં પડી ગયું હતું. મૃતકોમાં 10 પુરુષ અને 2 મહિલાઓ સામેલ છે.

અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ

જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાના, પોલીસ અધિક્ષક પ્રમેન્દ્ર ડોબલ સહિત SDRF, NDRF, પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 12 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, વધુ લોકો ફસાયા છે કે નહીં તે જાણવાના પ્રયાસો ચાલુ છે. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સીએમ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું

હવે આ દર્દનાક દુર્ઘટના કયા કારણોસર થઈ, ડ્રાઈવરની કોઈ બેદરકારી હતી કે કેમ, પોલીસે તેની તપાસ શરૂ કરી છે. અત્યારે માત્ર ઘાયલોની સારવાર અને બચાવ કામગીરી પર જ ભાર આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમના વતી જિલ્લા મેજિસ્ટ્રેટ ચમોલી સાથે પણ ફોન પર વાત કરવામાં આવી છે. સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને શક્ય તેટલા લોકોને બચાવવા પર ભાર મૂકવો જોઈએ.

આ પણ વાંચો: UP: 17 વર્ષની નિધિને ચોથે માળેથી ફેંકનાર સૂફિયાનનું એન્કાઉન્ટર, પગમાં વાગી ગોળી

national news uttarakhand