08 March, 2024 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
હિંદુ ધર્મમાં શિવપૂજાનું મહત્વ ખૂબ જ વધારે છે. ભગવાન શિવને ત્રિદેવોમાંના એક માનવામાં આવ્યા છે. તેમનો મહિમા અપાર છે. લોકોમાં ભગવાન શિવ પ્રત્યેની આસ્થાને જોતા હવે ભારતમાં શિવ મંદિરોમાં પણ ખૂબ જ ભીડ જોવા મળે છે. આ મહાશિવરાત્રી (Mahashivratri) પર જો તમે શિવ મંદિરના દર્શન માટે જવા માગો છો તો, ભારતમાં શિવજીનું એક એવું મંદિર છે, જ્યાંનો માર્ગ તો ખૂબ જ મુશ્કેલ છે. પણ જે રીતે લોકો અનેક મુશ્કેલીઓ પાર કરીને પણ ભોલેનાથના દર્શન માટે કેદારનાથ અને બદ્રીનાથ જાય છે, તે જ રીતે બિહારના રાજ્યમાં વધુ એક ધામ છે, જેને ગુપ્તેશ્વર મહાદેવના નામે ઓળખવામાં આવે છે. આ મંદિર બિહારના રોહતાસ જિલ્લાના ચેનારી પ્રખંડમાં છે, જે ગુપ્તધામના નામે પણ જાણીતું છે. તો જાણો ભગવાન શિવના આ અનોખા મંદિર વિશે.
મનોકામના થાય છે પૂરી-
આ ગુફા કેટલી જૂની છે, તેનું કોઈ પ્રમાણ નથી પણ આની બનાવટ જોઈને લાગે છે કે આ ગુફા માનવ નિર્મિત છે. આ પ્રાકૃતિક ગુફા કૈમૂરના પ્રાકૃતિક પહાડોમાં સ્થિત છે. માન્યતા છે કે ગુપ્ત ધામના મંદિરની ગુફામાં જળાભિષેક કર્યા બાદ ભક્તોની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે.
તો થઈ જાય છે ઑક્સિજનની અછત
આ ધામની યાત્રા કરતી વખતે લોકોમાં ઑક્સિજનની અછત થઈ જતી હોય છે. નોંધનીય છે કે 1989માં આ કારણે અડધો ડઝનથી વધારે લોકોના મોત થયા હતા. પણ તેમ છતા દરવર્ષે લોકો ભોલેનાથ પરનો વિશ્વાસ લઈને આ ગુફામાં પહોંચે છે.
ગુપ્ત ધામનો ઇતિહાસ
પ્રાચીન કથા પ્રમાણે એકવાર ભસ્માસુર ભોલેનાથને ખુશ કરવા માટે તપસ્યા કરી રહ્યો હતો. તેની તપસ્યા જોઈને ભગવાન શિવ ખુશ થઈ ગયા. જો કે, ભગવાન ભોલેનાથ ખૂબ જ દયાળુ પણ છે, આથી તેઓ પોતાના ભક્તોની મનોકામનાઓ પણ પૂરી કરતા રહે છે. તેમણે ભસ્માસુરને કહ્યું કે હું તારી તપસ્યાથી ખુશ થયો છું, જે વરદાન માગવું હોય તે માગ. ભસ્માસુરે વરદાન માગ્યું કે હું જેના માથે હાથ મૂકું તે ભસ્મ થઈ જાય. ભસ્માસુર મા પાર્વતીના સૌંદર્યથી મોહિત થઈને ભગવાન શિવ પાસેથી મળેલા વરદાનની પરીક્ષા લેવા માટે તેમના જ માથે હાથ મૂકવા માટે દોડ્યા. ત્યારે ભગવાન શિવ ભાગીને આ ગુફાના ગુપ્ત સ્થાને છુપાઈ ગયા હતા. ભગવાન વિષ્ણુ ભોલેનાથની આ વિવશતા જોઈ શક્યા નહીં અને તેમણે મોહિની સ્વરૂપ ધારણ કરીને ભસ્માસુરનું વધ કરી દીધું.
શિવલિંગ પર ગંગાજળ ચડાવવાની છે પરંપરા
બિહારના આ ઐતિહાસિક ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં બક્સરથી ગંગાજળ લઈને શિવલિંગ પર ચડાવવાની જૂની પરંપરા ચાલી આવી છે. ખાસકરીને શિવરાત્રીના દિવસે બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અહીં સુધી કે નેપાળથી પણ ભક્તો અહીં આવીને જળાભિષેક કરે છે.
ખૂબ જ મુશ્કેલ છે માર્ગ
આ ગુફા સુધી પહોંચવાનો રસ્તો સરળ નથી. જિલ્લા મુખ્યાલય સાસારામથી 65 કિમીના અંતરે સ્થિત આ ગુફા સુધી પહોંચવા માટે ભક્તોને દુર્ગાવતી નદીને પાંચ વાર અને પાંચ પહાડોનો પ્રવાસ કર્યા બાદ આ ગુફા સુધી પહોંચવાનું સૌભાગ્ય મળે છે.
આ પણ વાંચો : મહાશિવરાત્રિ પર બાબુલનાથ મંદિરમાં બિલિપત્ર અને ફૂલ ચડાવવાની સાથે જળાભિષેકની છૂટ
ગુફાનું રહસ્ય
આ ગુફા એક રહસ્ય છે, જેના વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. ગુફામાં શિવલિંગ પર હંમેશાં પાણી ટપક્યા કરે છે. આ પાણી ક્યાંથી આવે છે, આ સુધી આનો માર્ગ કોઈ શોધી શક્યું નથી. જો કે, આ જળને અહીં આવનારા લોકો પ્રસાદ તરીકે પણ ગ્રહણ કરે છે. શ્રાવણ અને સરસ્વતી પૂજા સિવાય અહીં મહાશિવરાત્રીના દિવસે પણ વિશાળ મેળો લાગે છે. ક્યાંક ક્યાંકથી લોકો આ મેળામાં સામેલ થવા માટે આવે છે.