દિવાળી પહેલાં રાજ્યોને એક લાખ કરોડ રૂપિયા મળ્યા

04 October, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

GSTનો હિસ્સો વહેલો મોકલીને કેન્દ્ર સરકારે રાજ્યોને ઍડ્વાન્સમાં કહ્યું હૅપી દિવાલી

પ્રતીકાત્મક તસવીર

દિવાળી પહેલાં કેન્દ્ર સરકાર નોકરિયાતો માટે ભથ્થાંમાં વધારો કરીને લહાણી કરી રહી છે તો રાજ્ય સરકારો પણ કેમ બાકાત રહી જાય? કેન્દ્ર સરકારે GST (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) તરીકે વસૂલેલી રકમમાંથી રાજ્ય સરકારોને પાછી આપવાની થતી રકમ ટૅક્સ ડિવૉલ્યુશન તરીકે પાછી કરે છે. વિવિધ રાજ્યોને કુલ ૧,૦૧,૬૦૩ કરોડ રૂપિયા ઍડ્વાન્સ ઇન્સ્ટૉલમેન્ટ તરીકે દિવાળી પહેલાં જ આપી દેવાયા છે જેથી રાજ્ય સરકાર પ્રજા માટેનાં કલ્યાણકારી કામો કરી શકે.

સામાન્ય રીતે દર મહિનાની ૧૦ તારીખે મહારાષ્ટ્રને ટૅક્સ ડિવૉલ્યુશન પેટે ૮૧,૭૩૫ રૂપિયા મળતા હોય છે, જેમાંથી ઍડ્વાન્સ ઇન્સ્ટૉલમેન્ટ પેટે ૬૪૧૮ કરોડ રૂપિયા મળ્યા છે એવી માહિતી નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યના ફાઇનૅન્સ મિનિસ્ટર અજિત પવારે આપી હતી.

ટૅક્સ ડિવૉલ્યુશનના ઍડ્વાન્સ પેટે સૌથી વધુ રકમ ૧૮,૨૨૭ કરોડ રૂપિયા ઉત્તર પ્રદેશને મળ્યા છે. બિહારને ૧૦,૨૧૯ કરોડ અને પશ્ચિમ બંગાળને ૭૬૪૪ કરોડ રૂપિયા મળ્યા છે. આ યાદીમાં મહારાષ્ટ્ર ચોથા ક્રમે રહ્યું હતું. ગુજરાતને ટૅક્સ ડિવૉલ્યુશન પેટે ૩૫૩૪ કરોડ રૂપિયા મળ્યા છે. 

national news india maharashtra news goods and services tax indian government ajit pawar income tax department