13 January, 2025 12:54 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
મહાકુંભ વખતે બે મહિના સુધી માત્ર કન્યા અને મહિલાઓ કરશે ગંગા-આરતી
આજથી શરૂ થયેલા મહાકુંભમાં પ્રયાગરાજમાં સંગમકિનારે રોજ થતી ગંગા-આરતી બે મહિના સુધી માત્ર કન્યાઓ કરશે અને તેઓ જ શંખ અને ડમરુ વગાડશે. જય ત્રિવેણી જય પ્રયાગરાજ આરતી સમિતિ દ્વારા બે મહિના કન્યાઓ જ આરતી કરશે એવો નિર્ણય લેવાયો છે અને આ મહિલા સશક્તીકરણનો સૌથી મોટો દાખલો બની રહેશે.
ગંગા-આરતી માટે પ્લૅટફૉર્મ પર ચડીને પુરુષો મા ગંગાની જે આરતી ઉતારે છે એ હવે મહિલાઓ ઉતારશે. સાડીમાં સજ્જ મહિલાઓ આરતીનું પાત્ર હાથમાં લઈને એટલી જ તન્મયતાથી આરતી ઉતારશે.
આખી દુનિયામાં આ પહેલી વાર હશે કે નિયમિત રીતે થતી આરતી પુરુષોને બદલે મહિલાઓ ઉતારશે, આ ઘટના દુનિયાને એક સંદેશ આપવાનું પણ કામ કરશે.
આ વિશે સમિતિના કૃષ્ણ દત્ત તિવારીએ કહ્યું હતું કે ૧૪૪ વર્ષ બાદ આવો મોકો આવ્યો છે કે મહિલાઓ આરતી ઉતારશે. અત્યાર સુધી બટુક બ્રાહ્મણો દ્વારા આ કામ કરવામાં આવતું હતું. નારી સશક્તીકરણ અને પુરુષ અને નારી વચ્ચે સમન્વય સ્થાપવાના ઉદ્દેશ્યને લઈને અમે સંદેશ આપવા માગીએ છીએ. બટુક બ્રાહ્મણોની સાથે-સાથે કન્યાઓ દ્વારા ગંગા, યમુના અને સરસ્વતીની મહાઆરતી સંપન્ન કરવામાં આવી રહી છે. સનાતન સંસ્કૃતિમાં મહિલાઓનું વિશેષ યોગદાન છે.