25 January, 2025 04:11 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
મહાકુંભમાં ભક્તો માટે બનાવવામાં આવેલી ટેન્ટસિટીનો ભવ્ય નજારો.
પ્રયાગરાજમાં મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે ૨૯ જાન્યુઆરીએ ૮થી ૧૦ કરોડ ભાવિકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવે એવી શક્યતા હોવાથી યોગી આદિત્યનાથ સરકારે વિશેષ તૈયારી આરંભી દીધી છે. ધક્કામુક્કી કે નાસભાગ થાય નહીં એ માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે.
એ દિવસે મહાકુંભ પરિસરમાં કોઈ વાહન જઈ નહીં શકે, કોઈ VIP ઝોન નહીં હોય, કોઈ VIP પ્રોટોકૉલ નહીં હોય, જેને પણ આવવું હોય તેણે કાર પાર્કિંગ લૉટમાં જ પાર્ક કરવાની રહેશે. પાર્કિંગ ઝોનથી આગળ એક પણ વાહન જઈ નહીં શકે.
આ દિવસે ૧૩ અખાડાના સાધુઓ માટે સંગમ વિસ્તારમાં અમૃત સ્નાન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
૨૭ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી દરમ્યાન કુંભ વિસ્તારમાં વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે.
૧૦થી ૧૨ લાખ લોકો ટ્રેનમાં આવશે તેથી રેલવે-સ્ટેશનો પર બંદોબસ્ત વધારીને ક્રાઉડ-મૅનેજમેન્ટ કરવામાં આવશે. એ દિવસોમાં ૧૫૦ વિશેષ ટ્રેનો ભારતભરમાંથી પ્રયાગરાજ આવવાની છે.
અયોધ્યા, વારાણસી અને મિર્ઝાપુરમાં પણ વ્યવસ્થા
મકર સંક્રાન્તિ પર્વમાં માત્ર બે દિવસમાં અયોધ્યામાં ૧૦ લાખ ભાવિકો દર્શન માટે આવ્યા હતા, એ સમયે ૭.૪૧ લાખ ભાવિકોએ કાશી વિશ્વનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં. પાંચ લાખ ભાવિકોએ મિર્ઝાપુરમાં વિંધ્યાવાસિની ધામનાં દર્શન કર્યાં હતાં. આ સ્થળો પર મૌની અમાવસ્યાએ આનાથી ચારગણા ભાવિકો આવે એવી ગણતરી રાખવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ સરકારે આ યાત્રાધામોમાં પણ તકેદારીની વ્યવસ્થા ઊભી કરી છે.
મહાકુંભમાં ભવ્ય ડ્રોન શો
મહાકુંભમાં ગઈ કાલે સંગમ તટ પર ત્રણ દિવસનો ભવ્ય ડ્રોન શો શરૂ થયો હતો જેમાં ડ્રોનની મદદથી વિવિધ આકૃતિઓ રચવામાં આવી હતી.
ડિજિટલ મહાકુંભની અનુભૂતિ
પ્રયાગરાજ આવનારા ભક્તો ડિજિટલ મહાકુંભનો અનુભવ લઈ શકે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.