15 January, 2025 11:45 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ફિરોઝ ખાને ગઈ કાલે તેની પત્ની કાવ્યા રાજપૂત અને ડૉગી મૅક્સ સાથે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી
નાગા સાધુ-સંતોની સૌથી મોટી આધ્યાત્મિક સંસ્થા અખાડા પરિષદે મુસલમાનોને મહાકુંભમાં પ્રવેશ નહીં કરવા ચેતવણી આપી હતી, પણ મુંબઈમાં એક પ્રાઇવેટ બૅન્કમાં નોકરી કરતા ફિરોઝ ખાને ગઈ કાલે તેની પત્ની કાવ્યા રાજપૂત અને ડૉગી મૅક્સ સાથે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. ધમકીને કારણે પહેલાં ફિરોઝ સંગમમાં સ્નાન કરવા આવવાનો નહોતો, પણ પત્નીએ કરેલી વિનંતીને માન આપીને તે ૧૪૦૦ કિલોમીટરનો પ્રવાસ કરી કાવ્યા અને ડૉગી સાથે મુંબઈથી પ્રયાગરાજ પહોંચ્યો હતો. તેણે સંગમસ્થળ સુધી પહોંચવા આઠ કલાકની પદયાત્રા કરી હતી. ફિરોઝે ડૉગી મૅક્સ પર ડૉગ-સાઇલેન્સર લગાવ્યું હતું. તેણે ગંગાજળથી આચમન કર્યું હતું અને ૧૧.૩૦ વાગ્યે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. પહેલાં તેણે ત્રિવેણીની પાવનધારાની પૂજા પણ કરી હતી પછી કાવ્યાનો હાથ પકડીને ડૂબકી લગાવી હતી. ત્યાર બાદ મૅક્સને પણ ગંગાજળથી પવિત્ર કર્યો હતો. ફિરોઝે કહ્યું હતું કે તે પત્ની સાથે કુંભમાં ડૂબકી લગાવવા હરિદ્વાર પણ ગયો હતો. ફિરોઝ ખાન ઇબાદત પણ કરે છે અને પૂજા પણ કરે છે, કારણ કે તેની પત્ની હિન્દુ છે. તેમણે પ્રેમલગ્ન કર્યાં છે.
આ મુદ્દે અખિલ ભારતીય અખાડા પરિષદના શ્રી મહંત રવીન્દ્ર પુરીએ કહ્યું હતું કે ‘મેં ખોટી ધારણા રાખતા મુસલમાનોને ચેતવ્યા હતા. જે લોકો ખાદ્યસામગ્રી કે પાણીમાં થૂંકે છે અથવા ચુપકીદીથી ગંદકી કરીને ધર્મને ભ્રષ્ટ કરે છે તેઓ પોતાની ધારણા બદલે. બાકી મહાકુંભમાં સાચી ધારણાવાળા મુસલમાનોનું પણ સ્વાગત છે.’