18 January, 2025 09:28 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
સ્ટીવ જૉબ્સની અબજપતિ પત્ની લૉરેન
પ્રયાગરાજના મહાકુંભમાં ત્રિવેણીના સંગમતટે આસ્થાની ડૂબકી લગાવવા માટે આવેલી ઍપલના સ્થાપક દિવંગત સ્ટીવ જૉબ્સની અબજપતિ પત્ની લૉરેન સંગમમાં ડૂબકી લગાવ્યા વિના જ ભુતાન જવા રવાના થઈ ગઈ હતી. તેના હાથમાં ઍલર્જી થઈ હતી અને તેણે કલ્પવાસ પણ અડધેથી છોડી દીધો હતો. ત્રણ દિવસ સુધી તે તેના ગુરુ નિરંજની અખાડાના સ્વામી કૈલાશાનંદગિરિના આશ્રમમાં સંન્યાસિનીરૂપે રહી હતી. બાબાએ તેને કમલા નામ આપ્યું હતું. તે કલ્પવાસી મહિલાઓ સાથે શિબિરમાં ઢોલના તાલે ઝૂમતી પણ જોવા મળી હતી.
જોકે તે પ્રવાસ અડધેથી છોડીને ભુતાન જતી રહી છે. પ્રયાગરાજના બમરૌલી ઍરપોર્ટ પર ૯૩ વર્ષ બાદ પહેલી વાર ઇન્ટરનૅશનલ ફ્લાઇટ ઊતરી હતી. રૉયલ ભુતાન ઍરલાઇન્સની ડ્રુક ઍરની ફ્લાઇટ પૉવેલ અને તેના સાથીઓને લઈને ભુતાન જવા રવાના થઈ હતી. ભુતાનમાં તે થોડા દિવસ રહેશે.
જોકે એક રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તે ૨૦ જાન્યુઆરી પહેલાં વૉશિંગ્ટન પહોંચી જશે અને ડોનલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
પ્રયાગરાજના ઍરપોર્ટ પરથી ૧૯૩૨ સુધી લંડનની સીધી ફ્લાઇટ ઊડતી હતી. ૧૯૧૯માં આ ઍરપોર્ટની શરૂઆત થઈ હતી. ૧૯૩૨ સુધી આ ફ્લાઇટ્સ કાર્યરત હતી. સ્પીડબર્ડ ઍરલાઇન્સનાં વિમાનો પ્રયાગરાજ-લંડન વચ્ચે ઊડતાં હતાં.