04 January, 2025 12:56 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
છોટુબાબા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં સાધુ-સંતોનું આગમન શરૂ થઈ ગયું છે ત્યારે માત્ર ત્રણ ફુટની ઊંચાઈ ધરાવતા ગંગાપુરી મહારાજ અથવા તો ટાઇનીબાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમની ઉંમર ૫૭ વર્ષ છે. તેમણે છેલ્લાં ૩૨ વર્ષથી સ્નાન કર્યું નથી. પ્રયાગરાજના મહાકુંભમાં તેઓ પહેલી વાર આવ્યા છે અને તેથી તેમને કોઈ શિબિર ફાળવવામાં આવી નથી. તેઓ વિવિધ સંતોની શિબિરમાં રહે છે.
સંકલ્પસિદ્ધિ બાદ સ્નાન
ટાઇનીબાબાએ એક સંકલ્પ લીધો છે જેના પગલે તેઓ સ્નાન કરતા નથી. તેમના સંકલ્પની જ્યારે સિદ્ધિ થશે ત્યારે તેઓ પવિત્ર ક્ષિપ્રા નદીમાં ડૂબકી લગાવવાના છે. તેમણે કયો સંકલ્પ લીધો છે એની તેઓ જાણકારી આપવાનું ટાળે છે.
અંતરમન શુદ્ધ બનાવો
બધા સાધુ-સંતો ગંગાની ગોદમાં ડૂબકી લગાવવા આવ્યા છે, પણ ટાઇનીબાબા સ્નાન નહીં કરે કારણ કે તેમના એક સંકલ્પની સિદ્ધિ થવાની બાકી છે. સ્નાન ન કરવાના મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘શરીર કરતાં વધારે અંતરમનને શુદ્ધ કરવું આવશ્યક છે. હું મારી સંકલ્પસિદ્ધિ તરફ આગળ વધી રહ્યો છું. શારીરિક સ્વચ્છતા કરતાં માનસિક અને આત્મિક સ્વચ્છતા વધારે મહત્ત્વપૂર્ણ છે.’
છોટુબાબાને ખોટું લાગતું નથી
લોકો તેમને છોટુબાબા કે ટાઇનીબાબા પણ કહે છે છતાં તેમને ખોટું લાગતું નથી. તેમનું કહેવું છે કે ઓછી ઊંચાઈ મારી કમજોરી નથી પણ વિશેષતા છે. ઓછી હાઇટને કારણે તેમણે લોકો વચ્ચે ખાસ ઓળખ બનાવી છે. તેઓ રસ્તા પર ચાલે છે ત્યારે લોકો તેમને જોઈને અટકી જાય છે, ફોટો ખેંચે છે અથવા સેલ્ફી લે છે. ઓછી હાઇટ હોવા છતાં તેમનો આત્મવિશ્વાસ જબરદસ્ત છે. તેમનું આ અદ્વિતીય સ્વરૂપ અને સાધના પ્રત્યે સમર્પણ તેમને અન્ય સંતોથી અલગ બનાવે છે. તેઓ ઊંચાઈ અને જીવનશૈલીને કારણે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમને જોવા અને મળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાવિકો આવે છે.
સ્મશાનમાં સાધના
ગંગાપુરી મહારાજ તંત્રસાધનામાં વિશ્વાસ રાખે છે અને તેથી તેઓ મોટા ભાગે સ્મશાનમાં જ સાધના કરે છે. તેમની આવી સાધના તેમને વધારે રહસ્યમયી બનાવે છે. ટાઇનીબાબા સંન્યાસીઓના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત જૂના અખાડાના નાગા સંત છે. તેઓ આસામમાં કામાખ્યાપીઠ સાથે સંકળાયેલા છે. તેમની સાધનાનો સ્તર ખૂબ ઊંચો છે. તેમની સરળતાને કારણે લોકોને તેમના પ્રતિ વધારે સ્નેહ આવે છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમસ્થળે ૧૩ જાન્યુઆરીએ મહાકુંભનો આરંભ થવાનો છે ત્યારે આ એક અખાડાના સાધુએ સ્વચ્છ મહાકુંભનો સંદેશ અનોખી રીતે આપ્યો હતો.