કુંભનગરીમાં છવાઈ ગયા ચાબીવાલે બાબા

01 January, 2025 02:15 PM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

ઠેર-ઠેરથી સાધુ-સંતોના કાફલા હવે પ્રયાગરાજમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે કુંભનગરીમાં એક ખાસ ચાવી લઈને ઘૂમતા બાબાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

૫૦ વર્ષના બાબા હરિશ્ચન્દ્ર વિશ્વકર્માને લોકો કબીરા બાબા તરીકે જાણે છે. તેઓ પોતાની સાથે ૨૦ કિલોની લોઢાની ચાવી લઈને ફરે

ઠેર-ઠેરથી સાધુ-સંતોના કાફલા હવે પ્રયાગરાજમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે કુંભનગરીમાં એક ખાસ ચાવી લઈને ઘૂમતા બાબાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ બાબા અનોખા અંદાજથી ભક્તોનું ધ્યાન ખેંચી રહ્યા છે. ૫૦ વર્ષના બાબા હરિશ્ચન્દ્ર વિશ્વકર્માને લોકો કબીરા બાબા તરીકે જાણે છે. તેઓ પોતાની સાથે ૨૦ કિલોની લોઢાની ચાવી લઈને ફરે છે. બાબાનું કહેવું છે કે આ ચાવી જીવન અને આધ્યાત્મનું પ્રતીક છે. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રહેતા આ બાબાનું કહેવું છે કે બાળપણમાં તેઓ ઘરવાળાઓના ડરને કારણે કશું બોલી શકતા નહોતા, પણ ૧૬ વર્ષના થયા એટલે તેમણે સમાજમાં ફેલાયેલી બદીઓ અને નફરતની ભાવના સામે લડવાનું નક્કી કરી લીધું અને ઘર છોડી દીધું.

કબીરપંથી વિચારધારા ધરાવતા બાબા હરિશ્ચન્દ્ર વિશ્વકર્માએ આ ચાવી સાથે આખા દેશની પદયાત્રા કરી છે. તેમનું કહેવું છે કે લોકોના મનમાં વસેલા અહંકારના તાળાને તેઓ આ મોટી ચાવીથી ખોલે છે. તેમની પાસે બીજી પણ ઘણી ચાવીઓ છે. પહેલાં તેમણે ચાવી સાથે સાઇકલ પર યાત્રા શરૂ કરેલી, પણ હવે તેમની પાસે એક રથ છે અને એ રથ બાબા જાતે ખેંચે છે.

uttar pradesh prayagraj kumbh mela national news religion religious places news