23 January, 2025 02:23 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ
પ્રયાગરાજમાં મહાકુંભમાં સંગમ તટ પર અયોધ્યાના રામ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ગઈ કાલે ઇંગ્લિશ કૅલેન્ડર મુજબ અયોધ્યામાં થયેલી રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ હતી ત્યારે લોકોએ ઝળાંહળાં થતા મહાકુંભના મંદિરને પોતાના કૅમેરામાં કેદ કર્યું હતું.
મલાડના પ્રવાસીઓની સમસ્યા દૂર થવામાં
પાંચમી-છઠ્ઠી લાઇનના કામને લીધે મલાડ રેલવે-સ્ટેશન પર પ્લૅટફૉર્મમાં ફેરબદલ કરવામાં આવ્યો છે ત્યારથી એક નંબરના પ્લૅટફૉર્મ પર ઊતરીને પ્રવાસીઓએ બ્રિજ ચડીને સ્ટેશનની બહાર જવાનું હોવાથી ધસારાના સમયે ભયંકર ગિરદી થાય છે. આ સમસ્યાનું નિવારણ લાવવા રેલવેએ એક નંબરના ટ્રૅકની વેસ્ટ બાજુએ પણ ટેમ્પરરી સ્ટીલનું પ્લૅટફૉર્મ બનાવવાનું નક્કી કર્યું હતું જેથી પ્રવાસીઓ વહેંચાઈ જાય. હવે આ પ્લૅટફૉર્મનું કામ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે અને બહુ જલદી એ તૈયાર થઈ જશે. ત્યાર બાદ મલાડ રહેતા પ્રવાસીઓની હેરાનગતિ દૂર થઈ જશે. તસવીર : નિમેશ દવે
કાલિનાના નવનીત મોટર્સ શોરૂમમાં આગ
સાંતાક્રુઝના કાલિનાના સીએસટી રોડ પર આવેલા નવનીત મોટર્સ શોરૂમમાં પહેલા માળે આવેલી ઑફિસમાં ગઈ કાલે સવારે સાડાસાત વાગ્યે મોટી આગ લાગી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર-બ્રિગેડે આગને કાબૂમાં લેવા અને અન્ય ભાગોમાં ફેલાતી અટકાવવા માટે યોગ્ય પ્રયાસ કર્યા હતા. આગ લાગવા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. આ મામલે ફાયર-બ્રિગેડની વધુ તપાસ ચાલી રહી છે.
બર્ડ ફ્લુના ડરથી થાણેમાં ચિકન શૉપ્સ બંધ
થાણે જિલ્લાના કેટલાક ભાગમાં મરઘીઓ ટપોટપ મરી રહી હોવાથી બર્ડ ફ્લુ ફેલાયો હોવાનો ભય ઊભો થયો છે. આ ડરને લીધે ગઈ કાલે થાણેના કોપરી વિસ્તારમાં આવેલી ચિકનની દુકાનો બંધ રાખવામાં આવી હતી.
વડોદરાના આકાશમાં તિરંગાનું ફૉર્મેશન રચ્યું વાયુસેનાએ - સૂર્યકિરણ ઍરોબૅટિક્સ ટીમે ઍર શોમાં દિલધડક હવાઈ કરતબ દર્શાવ્યાં
મધ્ય ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ઍરોબૅટિક ટીમે ગઈ કાલે દરજીપુરા ઍર ફોર્સ સ્ટેશન પર નવ ઍરક્રાફ્ટ સાથે ઍર શો યોજીને દિલધડક હવાઈ કરતબ દર્શાવ્યાં હતાં અને આકાશમાં તિરંગાનું ફૉર્મેશન રચ્યું હતું.