09 May, 2023 12:31 PM IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : પી.ટી.આઈ.
મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ખરગોન (Khargone) જીલ્લામાં આજે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. મુસાફરોથી ભરેલી બસ પુલ પરથી પડતા અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં ૧૬ લોકોના મૃત્યુ થયા છે. ૨૫ કરતાં વધુ લોકો ઘાયલ થયા છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ચાર લાખ રુપિયાની મદદની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
ખરગોનમાં બોરાદ નદી પરના પુલ પરથી એક પેસેન્જર બસ ૫૦ ફૂટ નીચે પડી હતી. ખરગોન જિલ્લાના દસંગામાં બસ કલ્વર્ટ પરથી નીચે પડતાં થયો અકસ્માત થયો હોવાનું કહેવાય રહ્યું છે. આ અકસ્માતમાં ૧૫ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે જ સમયે, એક પ્રવાસીનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ રીતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધી ૧૬ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમજ આ દુર્ઘટનામાં ૨૫ લોકો ઘાયલ થયા છે. જોકે, મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માતમાં ડ્રાઈવર, કંડક્ટર અને ક્લીનરનું પણ મોત થયું હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં લગભગ ૪૦ લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી ઘણા ગંભીર રીતે ઘાયલ છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ પણ વાંચો – સુરત–બારડોલી હાઇવે પર અકસ્માતમાં પરિવારના છ સભ્યોનાં મૃત્યુ
દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે કે, ખરગોનમાં થયેલ માર્ગ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. તેમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળ પર તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે.
બીજા ટ્વિટમાં તેમણે લખ્યું કે, ‘મધ્યપ્રદેશના ખરગોનમાં બસ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને PMNRF તરફથી બે લાખ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.’
આ પહેલા મુખ્યપ્રધાન શિવરાજ સિંહ (Shivraj Singh)એ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને વળતરની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘ખરગોનમાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ગંભીર રીતે ઘાયલોને ૫૦,૦૦૦ રુપિયા અને સામાન્ય ઈજા પહોંચી હોય તેમને ૨૫,૦૦૦ રુપિયા આપવામાં આવશે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને યોગ્ય સારવારની વ્યવસ્થા મધ્યપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવશે.’
મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રા (Narottam Mishra)એ આ ઘટના અંગે કહ્યું કે, ‘ખરગોનમાં બસ દુર્ઘટનાના દુઃખદ સમાચાર મળ્યા છે. ૧૫ લોકોના મોત નોંધાયા છે. માનનીય મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા આપવા અને તમામ ઇજાગ્રસ્તોને મફત સારવાર આપવા સૂચના આપી છે.’
આ પણ વાંચો – વધુ ઍક્સિડન્ટ્સનું કારણ છે ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાંની બેદરકારી
આ ઉપરાંત સરકારે બસ અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યા છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલુ છે.