કોટામાં સ્ટુડન્ટ્સની આત્મહત્યા પાછળ લવ-અફેર્સ પણ છે જવાબદાર : રાજસ્થાનના શિક્ષણપ્રધાન

20 January, 2025 02:54 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

ઇન્ટરેસ્ટ ન હોય એવા વિષયોમાં અભ્યાસ કરવાનું પ્રેશર નાખવામાં આવતાં સ્ટુડન્ટ્સ ડિપ્રેશનમાં આવી જાય છે.રુચિ સિવાયના વિષયો ભણતાં તેઓ અસફળ થાય છે અને ખુશ રહેતા નથી

રાજસ્થાનના શિક્ષણપ્રધાન મદન દિલાવર.

રાજસ્થાનના કોચિંગ હબ મનાતા કોટામાં ૨૦૨૫ની શરૂઆતમાં જ ચાર સ્ટુડન્ટ્સે આત્મહત્યા કરી લેતાં વાલીઓમાં ચિંતાનું મોજું ફેલાયું છે ત્યારે રાજસ્થાનના શિક્ષણપ્રધાન મદન દિલાવરે કહ્યું હતું કે સ્ટુડન્ટ્સની આત્મહત્યાની પાછળ લવ-અફેર્સ પણ એક કારણ છે. પ્રેમમાં નિરાશા મળતાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લેતા હોય છે. માતા-પિતાએ બાળકો પ્રત્યે સતર્ક રહેવાની આવશ્યકતા છે. તેમણે બાળકોનું ધ્યાન પણ રાખવાની જરૂર છે. માતા-પિતાને બાળકનું રૂટીન ખબર હોવું જોઈએ. તેમની સાથે વાતચીત પણ કરવી જોઈએ. માતા-પિતાએ બાળકો પર ભણતરના મુદ્દે પ્રેશર આપવાની જરૂર નથી.

૨૦૨૪માં કોટામાં સુસાઇડના ૧૭ કેસ સામે આવ્યા હતા અને આ વર્ષની શરૂઆતથી ચાર સ્ટુડન્ટ્સે આત્મહત્યા કરી લીધી છે. શિક્ષણપ્રધાને વધુમાં કહ્યું હતું કે દરેક સ્ટુડન્ટની રુચિ અલગ-અલગ હોય છે અને તેઓ મનગમતા વિષયને લઈને અભ્યાસ કરે તો તેઓ ખુશ અને પ્રફુલ્લિત રહી શકે છે અને સફળતા પણ મેળવી શકે છે. ઇન્ટરેસ્ટ ન હોય એવા વિષયોમાં અભ્યાસ કરવાનું પ્રેશર નાખવામાં આવતાં સ્ટુડન્ટ્સ ડિપ્રેશનમાં આવી જાય છે. રુચિ સિવાયના વિષયો ભણતાં તેઓ અસફળ થાય છે અને ખુશ રહેતા નથી. સુસાઇડ પાછળનું એક કારણ પ્રેમમાં નિષ્ફળતા પણ છે.

rajasthan suicide Education mental health national news news