29 June, 2024 07:45 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
લોક સભા
નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષામાં પેપર-લીકના મુદ્દે વિપક્ષોએ કરેલા હોબાળાને પગલે ગઈ કાલે લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી મોકૂફ રાખવામાં આવી હતી.
સંસદભવનની બહાર મીડિયા સાથે વાતચીત કરતાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષાના સંચાલનમાં કથિત અનિયમિતતા થઈ એ મુદ્દે સંસદમાં સન્માનજનક ચર્ચા કરવી જોઈએ, કારણ કે આ દેશના યુવાનો અને તેમના ભવિષ્યની ચિંતાનો મુદ્દો છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરતાં પહેલાં આ મુદ્દે ચર્ચા જરૂરી છે. આ મુદ્દે વિપક્ષ એક છે કે પહેલાં આ મુદ્દે ચર્ચા આવશ્યક છે.’
આ મુદ્દે વધુમાં બોલતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘યુવાનો ચિંતિત છે અને તેઓ જાણતા નથી કે હવે શું થશે. સંસદમાંથી યુવાનોને ખાતરી આપવામાં આવવી જોઈએ કે ભારત સરકાર તેમની સાથે છે. હું વડા પ્રધાનને વિનંતી કરું છું કે તેઓ આ મુદ્દે સારી અને મહત્ત્વપૂર્ણ ચર્ચા કરવા સહમત થાય.’