08 May, 2024 08:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગઈ કાલે ૧૦ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ ૯૩ બેઠકો પર સરેરાશ ૬૩.૬૬ ટકા મતદાન નોંધાયું હતું. સવારે ૭ વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે ૬ વાગ્યે પૂરું થયું હતું. મોટા ભાગે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું, માત્ર પશ્ચિમ બંગાળમાં હિંસાની થોડી ઘટનાઓ બની હતી. ચૂંટણીપંચના પ્રોવિઝનલ આંકડા મુજબ આશરે ૬૩.૬૬ ટકા મતદારોએ મતદાન કર્યું હતું અને એમાં સૌથી વધારે ૭૭.૧૫ ટકા મતદાન આસામમાં નોંધાયું હતું. ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું ૫૭.૩૪ ટકા મતદાન નોંધાયું હતું. ત્રીજા તબક્કામાં આસામમાં ૪, બિહારમાં પાંચ, છત્તીસગઢમાં ૭, ગોવામાં બે, ગુજરાતમાં ૨૫, કર્ણાટકમાં ૧૪, મધ્ય પ્રદેશમાં ૮, મહારાષ્ટ્રમાં ૧૧, ઉત્તર પ્રદેશમાં ૧૦, પશ્ચિમ બંગાળમાં ૪ તથા દાદરા અને નગર હવેલી તેમ જ દમણ અને દીવમાં બે બેઠકો પર મતદાન થયું હતું.
૨૦૧૯માં થયેલી ચૂંટણીમાં BJPએ ૯૪ પૈકી ૭૨ બેઠકો પર જીત મેળવી હતી. કૉન્ગ્રેસ અને શિવસેના (અનડિવાઇડેડ)ને ૪-૪ બેઠકો મળી હતી. જનતા દળ યુનાઇટેડને ૩, સમાજવાદી અને તૃણમૂલ કૉન્ગ્રેસને બે-બે તથા લોક જનશક્તિ પાર્ટીને એક બેઠક મળી હતી. બે બેઠકો અપક્ષોના ફાળે ગઈ હતી. પશ્ચિમ બંગાળમાં જાંગીપુરમાં BJPના ઉમેદવાર ધનંજય ઘોષ અને તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. ઉત્તર માલદા મતવિસ્તારમાં રતુઆના મતદાન-કેન્દ્ર પર અજાણ્યા માણસે ક્રૂડ બૉમ્બ ફેંક્યો હતો. કોઈને ઈજા થઈ નહોતી. મુર્શિદાબાદમાં BJPના ઉમેદવાર અને તૃણમૂલ કૉન્ગ્રેસના સમર્થકો વચ્ચે ઝઘડો થયો હતો.
ઉત્તર પ્રદેશના સંભલમાં પોલીસે ભીડને વિખેરવા માટે કરેલા લાઠીચાર્જમાં અનેક લોકો ઘાયલ થયા હતા. બિહારમાં મતદાન વખતે પીઠાસીન અધિકારી અને એક હોમગાર્ડના જવાનનું મૃત્યુ થયું હતું. છત્તીસગઢના જશપુરમાં મતદાન કરવા પહોંચેલા એક વૃદ્ધનું પણ મૃત્યુ થયું હતું. ગુજરાત કૉન્ગ્રેસના ચીફ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો હતો કે ગાંધીનગરમાં મતદાન-બૂથની બહાર મતદારોને BJPના ચૂંટણી ચિહ્ન કમળનું નિશાન ધરાવતી પેનની વહેંચણી કરવામાં આવી હતી