હવે દમદાર નહીં, બીજા પર મદાર

05 June, 2024 06:52 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નીતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુના સહારે ચલાવવી પડશે સરકાર

નીતીશકુમાર, ચંદ્રબાબુ નાયડુ

‘અબકી બાર ૪૦૦ પાર’ના નારા સાથે લોકસભાનું ઇલેક્શન લડવા ઊતરેલી ભારતીય જનતા પાટી (BJP)ને ગઈ કાલનાં પરિણામોએ જબરદસ્ત આંચકો આપ્યો હતો. ગઈ ચૂંટણીમાં પોતાના દમ પર ૩૦૩ બેઠક મેળવનારી નરેન્દ્ર મોદીની પાર્ટી આ વખતે પોતાના દમ પર સત્તા સ્થાપવા માટે જરૂરી ૨૭૨નો આંકડો પણ નથી મેળવી શકી. એટલે આ વખતે હવે આપણને BJPની નહીં પણ અટલ બિહારી વાજપેયીએ સ્થાપેલા નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ની સરકાર જોવા મળશે, જેમાં બિહારના નીતીશકુમારની જનતા દળ-યુનાઇટેડ (JD-U) અને આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુ નાયડુની તેલગુ દેસમ પાર્ટી (TDP)ની બૈસાખીના ટેકે BJPના વડપણ હેઠળની આ નવી સરકાર સત્તામાં રહેશે.

BJPની આવી હાલતનાં ઘણાં બધાં કારણોમાંથી ચાર રાજ્યોમાં પાર્ટીએ કરેલો નબળો દેખાવ મુખ્યત્વે છે. ઉત્તર પ્રદેશની ૮૦માંથી ૭૦ બેઠકોની અપેક્ષા સાથે બેસેલી BJP માત્ર ૩૩ બેઠક જ મેળવી શકી હતી જે ૨૦૧૯ કરતાં ૩૦ બેઠક ઓછી છે. આ સિવાય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ ધારણા કરતાં વિપરીત પરિણામો આવ્યાં છે. મહારાષ્ટ્રમાં ૨૮ બેઠકો પર ચૂંટણી લડેલી વડા પ્રધાનની પાર્ટીને માત્ર ૯ બેઠક જ મળી છે, જ્યારે ગયા વખતે રાજસ્થાનની તમામ ૨૫ બેઠક જીતનારી BJPને ૧૧ બેઠકનું નુકસાન થયું છે. પશ્ચિમ બંગાળમાં પણ ૨૫થી વધારે બેઠકની આશા રાખનારી નરેન્દ્ર મોદીની પાર્ટીએ ફક્ત ૧૨ બેઠકો પર જ સંતોષ માનવો પડ્યો છે. આ રીતે BJPને આ ચાર રાજ્યોમાં ૭૦ જેટલી બેઠકોનું નુકસાન થયું છે.

સામા પક્ષે કૉન્ગ્રેસે છેલ્લાં બે ઇલેક્શનની સરખામણીએ અપેક્ષા કરતાં સારો દેખાવ કરતાં પાર્ટીને પોતાની હારમાં પણ જીત દેખાઈ રહી છે. વિરોધ પક્ષોમાં જો કોઈનો સ્ટૅન્ડ-આઉટ પર્ફોર્મન્સ હોય તો એ છે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીનો. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની આ પાર્ટીએ એનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને ૩૭ બેઠકો કબજે કરી છે. સમાજવાદી પાર્ટીની જેમ જ પશ્ચિમ બંગાળમાં મમતા બૅનરજીની તૃણમૂલ કૉન્ગ્રેસે પણ પોતાના દમ પર ૪૨ બેઠકમાંથી ૨૯ બેઠક પર જીત હાંસલ કરી છે. INDIA અલાયન્સને મહારાષ્ટ્રમાંથી પણ જોરદાર સપોર્ટ મળ્યો છે. BJP જેને ડુપ્લિકેટ શિવસેના અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ કહે છે એ ઉદ્ધવ ઠાકરેની અને શરદ પવારની પાર્ટીએ અનુક્રમે ૯ અને ૭ બેઠક મેળવીને વિરોધીઓનું મોઢું બંધ કરી દીધું છે. 

લોકસભાની ચૂંટણીમાં કોને કેટલી બેઠકો?
નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) 
ભારતીય જનતા પાર્ટી (BJP)    ૨૪૦
તેલુગુ દેસમ પાર્ટી (TDP)    ૧૬
જનતા દળ (યુનાઇટેડ) – (JD-U)    ૧૨
​શિવસેના (SHS)    ૭
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) (LJPRV)    ૫
રાષ્ટ્રીય લોક દળ (RLD)    ૨
જનતા દળ (સેક્યુલર) – (JD-S)    ૨
જન સેના પાર્ટી- (JSP)    ૨
યુનાઇટેડ પીપલ્સ પાર્ટી (UPPL)    ૧ 
ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન પાર્ટી (AJSUP)    ૧
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)    ૧
હિન્દુસ્તાન અવામ મોરચા (સેક્યુલર) (HAM-S)    ૧
અપના દલ (સોનેલાલ) (ADAL)    ૧
આસામ ગણ પરિષદ (AGP)    ૧

INDIA અલાયન્સ
ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસ (INC)    ૯૯
સમાજવાદી પાર્ટી (SP)    ૩૭
ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉન્ગ્રેસ (AITC)    ૨૯
દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK)    ૨૨
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) (SHS - UBT)    ૯
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) (NCP-SP)    ૮
રાષ્ટ્રીય જનતા દળ (RJD)    ૪
કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ) CPI(M)S    ૪
ઝારખંડ મુક્તિ મોરચા (JMM)    ૩
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)    ૩
આમ આદમી પાર્ટી (AAP)    ૩
જમ્મુ​ ઍન્ડ કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સ (JKNC)    ૨
વિદુથલાઈ ચિરુથઈગલ કટ્ચી (VCK)    ૨
કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ​ઇન્ડિયા (CPI)    ૨
કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ-લે​નિ​નિસ્ટ)
 લિબરેશન CPI(ML)(L)    ૨
કેરલા કૉન્ગ્રેસ (KC)    ૧
રાષ્ટ્રીય લોકતાં​ત્રિક પાર્ટી  (RLTP)    ૧
રેવલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP)    ૧
ભારત આદિવાસી પાર્ટી (BADVP)    ૧
મલુમરાચી દ્રવિડ મુન્નેત્ર કળઝમ (MDMK)    ૧

Others
અપક્ષ (IND)    ૭
યુવાજના શ્રમિક રાયથુ કૉન્ગ્રેસ પાર્ટી (YSRCP)    ૪
શિરોમ​ણિ અકાલી દલ (SAD)    ૧
આઝાદ સમાજ પાર્ટી (કાંશી રામ) (ASPKR)    ૧
વૉઇસ ઑફ ધ પીપલ પાર્ટી (VOTPP)    ૧
ઑલ ઇન્ડિયા મજ​લિસ-એ-ઇત્તેહાદુલ મુ​સ્લિ​મિન(AIMIM)    ૧        નોંધ ઃ આ જીત અને લીડના મિક્સ આંકડા છે.

national news india narendra modi bharatiya janata party nitish kumar janata dal united telugu desam party