09 May, 2024 10:53 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા
લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય નેતાઓના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલા અનેક સ્પૂફ વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ જ આ વીડિયોની લોકપ્રિયતા વધવાની સાથે તેને લઈને વિવાદ પણ સર્જાઈ રહ્યા છે. તાજેતરમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વ ટ્વિટર) પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો (Lok Sabha Elections 2024) એક એઆઇ જનરેટેડ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં મોદી સ્ટેજ પર આવીને હજારો ચાહકોની વચ્ચે ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પોતાનો આ એઆઇ-જનરેટેડ વીડિયોના વખાણ પણ કર્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એઆઇ- જનરેટેડ વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેના વખાણ પીએમ મોદીએ પણ કર્યા હતા. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પીએમ મોદી કેસરી રંગના કોટમાં સ્ટેજ પર આવીને ડાન્સ કરે છે. આ વીડિયોમાં મોદીના ડાન્સને જોઈને લોકો ઉત્સાહિત થઈને તેમને ચીયર પણ કરતાં દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયોને શેર કરીને “આ વિડિયો પોસ્ટ કરી રહ્યો છું કારણ કે હું જાણું છું કે `ધ ડિક્ટેટર` આ માટે મારી ધરપકડ નહીં કરે.” એવું કેપ્શન પણ આપ્યું હતું.
પોતાના એઆઇ વડે બનાવેલા આ વીડિયોને રી-શેર કરીને પીએમ મોદીએ “તમારા બધાની જેમ મને પણ પોતાને ડાન્સ કરતો જોઈને આનંદ થયો. વોટિંગ જ્યારે ટોચ પર છે તેવા સીઝનમાં આવી સર્જનાત્મકતા ખરેખર આનંદની વાત છે! #પોલહ્યુમર.”, એવું કેપ્શન વડા પ્રધાન મોદીએ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર પણ પીએમ મોદીના જેવો જ વીડિયો એઆઇ મારફત બનાવવામાં આવ્યો હતો, પણ આ વીડિયો સામે કોલકાતા પોલીસ દ્વારા એક્શન લઈને વીડિયો પોસ્ટ કરનાર એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ જ આ સોશિયલ મીડિયા યુઝરને તેનું નામ અને ઓળખ પણ જાહેર કરવાની આદેશ આપવામાં આવ્યો હતો અને જો તે એવું નહીં કરશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, એવું ટ્વીટ કોલકાતા પોલીસે કર્યું હતું.
મમતા બેનર્જી પર પોસ્ટ કરવામાં આવેલા એઆઇ-જનરેટેડ વીડિયો પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે ભાજપ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. કોલકાતા પોલીસના ટ્વીટ હટાવવાની વાતથી ભાજપના આઇટી સેલના અધ્યક્ષ અમિત મલવિયાએ લખ્યું હતું કે “મમતા બેનર્જીના ડોરમેટની જેમ કામ કરવાને બદલે તમારી પાસે બીજા અનેક મહત્ત્વના મુદ્દાઓ છે. ટીએમસીના કાર્યકરો કોલકાતામાં પર તેમના પક્ષ કરતાં જુદા રાજકીય મત વ્યક્ત કરતી મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે અને તેઓએ કોલકાતાના અનેક વિસ્તારોમાં વડા પ્રધાનની મજાક ઉડાવતા અશ્લીલ પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા તે બાબતે તમે શું કાર્યવાહી કરી હતી”, એવો પણ પ્રશ્ન બીજેપીએ ઉપસ્થિત કર્યો હતો.