31 May, 2024 03:24 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી વખતે દીવડાઓ પ્રગટાવીને લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા
૧૮મી લોકસભાની ચૂંટણીમાં આવતી કાલે સાતમા અને અંતિમ તબક્કામાં ૫૭ બેઠક પર મતદાન થશે. આ માટે ગઈ કાલે સાંજે ચૂંટણીપ્રચારની પડઘમ શાંત થઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ કયા નેતાએ સૌથી વધુ પ્રચાર કર્યો હતો એ જોઈએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૬ જાહેર સભા અને રોડ-શો કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ના જ વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ૧૩૩, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ૮૭ સભા અને રોડ-શો કર્યાં હતાં. વિરોધ પક્ષોમાં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ૭૩, કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ૧૦૭ અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ૬૧ સભાઓ કરી હોવાનું જાણવા મળ્યું હતું. વડા પ્રધાને જનતાની સમક્ષ જવાની સાથે વિવિધ ભાષાના મીડિયામાં ૮૦ ઇન્ટરવ્યુ આપીને શા માટે લોકોએ તેમને ત્રીજો મોકો આપવો જોઈએ એ સંબંધે વિસ્તારથી માહિતી આપી હતી. ૨૦૧૯ની ચૂંટણીમાં વડા પ્રધાને ૧૪૨ સભા ગજવી હતી.
છ રાજ્યમાં ફોકસ
કેન્દ્રીય ચૂંટણી પંચે ૧૬ માર્ચે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી એના બીજા જ દિવસે વડા પ્રધાને આંધ્ર પ્રદેશના પાલનાડુમાં પહેલી સભા સંબોધી હતી. BJPએ આ ચૂંટણીમાં કર્ણાટક, કેરલા, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને મહારાષ્ટ્રમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ રાજ્યોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૪૯ જાહેર સભા અને રોડ-શો કર્યાં હતાં. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૬ તો કર્ણાટકમાં ૧૦, તેલંગણમાં ૯, તામિલનાડુમાં ૬, આંધ્ર પ્રદેશમાં પાંચ અને કેરલામાં ત્રણ પ્રચારસભા કરી હતી. આ છ રાજ્યમાં લોકસભાની ૧૬૭ બેઠક છે.
ત્રણ વખત એક દિવસમાં પાંચ સભા
વડા પ્રધાને ચૂંટણી જાહેર થઈ એ પહેલાંથી ગઈ કાલ સુધી કુલ ૨૦૬ સભા અને રોડ-શો કર્યાં હતાં. દરરોજ તેમણે સરેરાશ ત્રણ સભા કરી હતી. ત્રણ વખત એક દિવસમાં પાંચ-પાંચ પ્રચારસભા તો બાવીસ વખત તેમણે દરરોજ ચાર જગ્યાએ પ્રચાર કર્યો હોવાનું જણાયું છે.
૨૦૧૯નો રેકૉર્ડ તૂટ્યો
૨૦૧૯ની ચૂંટણી વખતે વડા પ્રધાન કરતાં વધુ રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધીએ ૧૪૫ સભાઓ ગજવી હતી તો વડા પ્રધાને ૧૪૨ જગ્યાએ સભા સંબોધી હતી. જોકે ૨૦૧૯માં BJPની ૩૦૩ સહિત સત્તાધારી નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)એ ૩૫૩ બેઠક પર તો કૉન્ગ્રેસની બાવન સહિત પક્ષોના ગઠબંધને ૯૧ બેઠક પર વિજય મેળવ્યો હતો.