01 June, 2024 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉમેદવારો
લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે ઉત્તર પ્રદેશ અને પંજાબની ૧૩-૧૩, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાલચ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને ચંડીગઢની એક મળીને કુલ ૫૭ બેઠક પર મતદાન થશે. લોકસભાની ચૂંટણીમાં આજે નરેન્દ્ર મોદી, કંગના રનૌત, રવિ કિશન, અનુરાગ ઠાકુર, અભિષેક બૅનરજી અને મિસા ભારતી જેવા દિગ્ગજોના ભાવિનો ફેંસલો થશે. આ સાથે જ ઓડિશા વિધાનસભાની ૪૨ બેઠકો પર પણ આજે મતદાન થશે. વડા પ્રધાન, કેન્દ્રીય પ્રધાન અને બૉલીવુડની સેલિબ્રિટીઝ સહિત કુલ ૯૦૪ ઉમેદવારો મેદાનમાં છે.
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં આ ૫૭ બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીનો ૨૫, તૃણમૂલ કૉન્ગ્રેસનો આઠ અને કૉન્ગ્રેસનો સાત બેઠક પર વિજય થયો હતો. ૨૦૧૯માં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૮.૮ ટકા તો બિહારમાં સૌથી ઓછું ૫૧.૩૪ ટકા સાથે કુલ ૬૫.૨૯ ટકા મતદાન થયું હતું.
ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૪થી ચૂંટાઈ આવે છે. કૉન્ગ્રેસે નરેન્દ્ર મોદી સામે ત્રીજી વખત ઉત્તર પ્રદેશના પ્રદેશાધ્યક્ષ અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. ૨૦૧૯ની ચૂંટણીમાં અજય રાય ત્રીજા સ્થાને રહ્યા હતા.
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ બૉલીવુડની અભિનેત્રી કંગના રનૌતને ઉમેદવારી આપી છે. તેનો મુકાબલો કૉન્ગ્રેસના ગઢમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સામે છે. ૨૦૧૯ની ચૂંટણી BJPએ રાજ્યની ચારેય બેઠક પર વિજય મેળવ્યો હતો.
હિમાચલ પ્રદેશની જ હમીરપુર બેઠક પર BJPએ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરને ફરી મેદાનમાં ઉતાર્યા છે. તેમણે ૨૦૦૮માં પિતા પ્રેમકુમાર ધૂમલ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે પેટાચૂંટણી લડી હતી અને પહેલી વખત સંસદસભ્ય બન્યા હતા. બાદમાં સતત ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯માં તેઓ વિજયી થઈ રહ્યા છે. આ વખતે તેમનો મુકાબલો કૉન્ગ્રેસના સતપાલસિંહ રાયજાદા
સામે છે.
ઉત્તર પ્રદેશની ગોરખપુર બેઠક પર BJPએ ભોજપુરી અભિનેતા રવિ કિશનને ફરી ઉમેદવારી સોંપી છે. ૨૦૧૯માં તેણે ૬૦ ટકાથી વધુ મત મેળવીને વિજય મેળવ્યો હતો. આ વખતે તેનો મુકાબલો સમાજવાદી પાર્ટીનાં કાજલ નિષાદ સાથે છે.
પશ્ચિમ બંગાળની ડાયમન્ડ હાર્બર બેઠક પર મુખ્ય પ્રધાન મમતા બૅનરજીના ભત્રીજા અભિષેક બૅનરજીને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. તૃણમૂલ કૉન્ગ્રેસના ગઢમાં BJPના અભિજિત દાસ અને CPI (M)ના પ્રતીકુર રહમાન સાથે અભિષેકનો મુકાબલો છે. ૨૦૧૯ની ચૂંટણીમાં અભિષેકે BJPના ઉમેદવારને ૩.૨ લાખના મતથી પરાજિત કર્યા હતા.
રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવની સૌથી મોટી પુત્રી મિસા ભારતી પાટલીપુત્ર બેઠક પર ચૂંટણી લડી રહી છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં BJPના રામકુપાલ યાદવે મિસા ભારતીને હરાવી હતી.