૨૫-૨૬ વર્ષનાં યુવા સંસદસભ્યોને મળો

06 June, 2024 03:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશમાં મછલીશહર બેઠક પર સમાજવાદી પાર્ટીની પચીસ વર્ષની પ્રિયા સરોજે BJPના સંસદસભ્ય ભોલાનાથને ૩૫,૮૫૦ મતથી પરાજિત કર્યા છે

પ્રિયા સરોજ

આ વખતની લોકસભાની ચૂંટણીમાં ચાર ચૂંટાયેલા મેમ્બરો એવા છે જેઓ માત્ર ૨૫-૨૬ વર્ષની ઉંમરે સંસદસભ્ય બની ગયા છે. પુષ્પેન્દ્ર સરોજ અને પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટાયાં છે, શાંભવી ચૌધરી લોક જનશક્તિ પાર્ટી (LJP)ની ટિકિટ પર અને સંજના જાટવ કૉન્ગ્રેસની ટિકિટ પર ચૂંટાયાં છે.

પ્રિયા સરોજ , વકીલાત કરતાં-કરતાં સંસદસભ્ય બની

ઉત્તર પ્રદેશમાં મછલીશહર બેઠક પર સમાજવાદી પાર્ટીની પચીસ વર્ષની પ્રિયા સરોજે BJPના સંસદસભ્ય ભોલાનાથને ૩૫,૮૫૦ મતથી પરાજિત કર્યા છે. પ્રિયા ત્રણ વારના સંસદસભ્ય તૂફાની સરોજની દીકરી છે. ગત નવેમ્બર મહિનામાં પ્રિયાએ પચીસ વર્ષ પૂર્ણ કર્યાં હતાં. પ્રિયા વ્યવસાયે વકીલ છે અને સુપ્રીમ કોર્ટમાં પ્રૅક્ટિસ કરે છે.

પુષ્પેન્દ્ર સરોજ, પિતાની હારનો બદલો લીધો

ઉત્તર પ્રદેશમાં કૌશાંબી બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પચીસ વર્ષના પુષ્પેન્દ્ર સરોજે BJPના ઉમેદવાર અને સંસદસભ્ય વિનોદ સોનકરને ૧,૦૩,૯૪૪ મતથી હરાવીને જીત મેળવી છે. પુષ્પેન્દ્ર પાંચ વારના વિધાનસભ્ય અને ઉત્તર પ્રદેશ સરકારના ભૂતપૂર્વ પ્રધાન ઇન્દ્રજિત સરોજનો પુત્ર છે. ૨૦૧૯માં તેના પિતા ઇન્દ્રજિત સરોજનો વિનોદ સોનકર સામે ૩૮,૭૪૨ મતથી પરાજય થયો હતો. આમ પિતાની હારનો બદલો પુત્રે વિજયથી મેળવ્યો છે. પહેલી માર્ચે તેણે પચીસ વર્ષ પૂર્ણ કર્યાં છે. પુષ્પેન્દ્રએ લંડનની ક્વીન મૅરી યુનિવર્સિટીમાં અકાઉન્ટિંગ અને મૅનેજમેન્ટમાં ગ્રૅજ્યુએશનનો અભ્યાસ કર્યો છે.

શાંભવી ચૌધરી, સૌથી યુવા દલિત સંસદસભ્ય

બિહારમાં નીતીશ કુમારની કૅબિનેટના પ્રધાન અશોક ચૌધરીની દીકરી શાંભવી ચૌધરી સમસ્તીપુર લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવી છે. તેણે કૉન્ગ્રેસના ઉમેદવાર સન્ની હઝારીને ૮૭,૫૩૭ મતથી હરાવ્યો છે. પ્રચાર વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને પોતાની દીકરી ગણાવી હતી. ચોથી જૂને રિઝલ્ટ જાહેર થયાં એ દિવસે શાંભવીની ઉંમર ૨૫ વર્ષ ૧૧ મહિના અને ૨૦ દિવસની હતી. આમ તે દેશની સૌથી યુવા સંસદસભ્ય પૈકી એક બની છે. તે અનુસૂચિત જાતિ (પાસી જાતિ)ની છે. આમ તે સૌથી યુવા દલિત સંસદસભ્ય પણ બની છે. શાંભવી પરિણીત છે.

સંજના જાટવ, વિધાનસભામાં પરાજય, લોકસભામાં વિજય

રાજસ્થાનમાં ભરતપુર બેઠક પરથી કૉન્ગ્રેસની સંજના જાટવે BJPના રામ સ્વરૂપ કોલીને ૫૧,૯૮૩ મતથી હરાવ્યા છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માના હોમ ડિસ્ટ્રિક્ટમાં સંજનાએ ભરતપુર બેઠક પર BJPને આંચકો આપીને આ બેઠક જીતી છે. સંજના માત્ર ૨૬ વર્ષની છે. છ મહિના પહેલાં યોજાયેલી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં સંજના જાટવનો BJPના ઉમેદવાર રમેશ ખેડી સામે ૪૦૯ મતથી પરાજય થયો હતો. આમ વિધાનસભામાં થયેલા પરાજયનો બદલો તેણે લોકસભાની બેઠક જીતીને લઈ લીધો છે. સંજનાએ રાજસ્થાનના પોલીસ કૉન્સ્ટેબલ કપ્તાન સિંહ સાથે લગ્ન કર્યાં છે.

લાલુ પ્રસાદ યાદવ પહેલા યુવા સંસદસભ્ય

૧૯૭૭માં બિહારમાં સારણ બેઠક પરથી ચૂંટણી જીતનારા લાલુ પ્રસાદ યાદવ ૨૯ વર્ષની વયે સંસદસભ્ય બન્યા હતા. તેઓ પહેલા યુવા સંસદસભ્ય હતા. આઝાદી બાદ સૌથી યુવા સંસદસભ્ય બનવાનો રેકૉર્ડ ઓડિશાની ચંદ્રાણી મુર્મુના નામે છે. તે ૨૦૧૯માં જ્યારે સંસદસભ્ય બની ત્યારે તેની ઉંમર ૨૫ વર્ષ ૧૧ મહિના અને ૯ દિવસ હતી. 

Lok Sabha Election 2024 national news