સ્મૃતિ ઈરાનીને ગાંધી પરિવારના નિષ્ઠાવંત કાર્યકરે આસાનીથી હરાવ્યાં

05 June, 2024 11:37 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

હાર બાદ સ્મૃતિ ઈરાનીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને અમેઠીની જનતાનો આભાર માન્યો હતો

સ્મૃતિ ઈરાની

ગઈ કાલે ચૂંટણીનાં પરિણામમાં BJPને ઘણા ફટકા પડ્યા હતા, પણ એમાં સૌથી ધ્યાનાકર્ષક ઝટકો હતો ઉત્તર પ્રદેશના અમેઠીથી BJPનાં સંસદસભ્ય સ્મૃતિ ઈરાનીની હાર. ૪૦ વર્ષથી અમેઠીની બેઠક પર ગાંધી પરિવાર વતી ખડેપગે તહેનાત રહેતા તેમના વિશ્વાસુ કિશોરી લાલે કેન્દ્રીય પ્રધાનને ૧,૬૭,૧૯૬ મતોથી હાર આપીને જાયન્ટ કિલર બન્યા છે. ગઈ ચૂંટણીમાં આ બેઠક પરથી રાહુલ ગાંધીને હરાવીને સ્મૃતિ ઈરાની જાયન્ટ કિલર બન્યાં હતાં. તેમણે આ વખતે રાહુલ ગાંધીને આ બેઠક પરથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો, પણ ગાંધી પરિવારે પોતાના વિશ્વાસુને અમેઠીથી ચૂંટણી લડાવી હતી. કિશોરી લાલ માટે પ્રિયંકા ગાંધી વાડ્રાએ જબરદસ્ત પ્રચાર કર્યો હતો અને તેમણે પ્રચાર વખતે લોકોને સતત એ વાત કહી હતી કે ‘કિશોરી લાલે મારાં પપ્પા, મમ્મી અને ભાઈ માટે આ બેઠક પર પ્રચાર કર્યો છે. તેઓ અહીંની ગલી-ગલીથી વાકેફ છે. આ વખતે તમારે (લોકોએ) તેમને જિતાડવાના છે.’

ગઈ કાલની હાર બાદ સ્મૃતિ ઈરાનીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને અમેઠીની જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે મારી જીત અને હાર વખતે જે લોકો નિરંતર મારી સાથે રહ્યા તેમનો હું હૃદયથી આભાર માનું છું. આજે જે લોકો સેલિબ્રેશન કરી રહ્યા છે તેમને કૉન્ગ્રેચ્યુલેશન્સ અને જે લોકો મને પૂછી રહ્યા છે કે હાઉ ઇઝ ધ જોશ? તેમને મારો જવાબ છે ઇટ્સ સ્ટીલ હાય, સર. 

national news india amethi smriti irani Lok Sabha Election 2024 bharatiya janata party congress