કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૧માંથી BJPને ૪ બેઠક: મેહબૂબા મુફ્તી અને ઓમર અબદુલ્લાની હાર

05 June, 2024 01:08 PM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

દમણ અને દીવ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે BJPના ઉમેદવાર લાલુભાઈ પટેલને ૬૬૨૫ મતથી હરાવ્યા હતા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ચંડીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ એવા ૧૧ કેન્દ્રશાસિત પ્રદેશોમાં BJPને ૪ બેઠકો મળી છે. કૉન્ગ્રેસને ૨, અપક્ષોને ૩ અને જમ્મુ-કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સને ૨ બેઠકો મળી છે. ઉધમપુરમાં કેન્દ્રીય પ્રધાન BJPના ડૉ. જિતેન્દ્ર સિંહે કૉન્ગ્રેસના ચલાલ સિંહને ૧,૨૪,૩૭૩ મતથી હરાવ્યા છે. 
જમ્મુમાં BJPના જુગલ કિશોરે કૉન્ગ્રેસના રમણ ભલ્લાને ૧,૩૫,૪૯૮ મતથી હરાવ્યા છે.

દાદરા અને નગર હવેલીમાં BJPનાં કલાબેન ડેલકરે કૉન્ગ્રેસના અજિત મહાલાને ૫૭,૫૮૪ મતે અને આંદામાન-નિકોબાર ટાપુમાં BJPના વિષ્ણુ રેએ કૉન્ગ્રેસના કુલદીપ શર્માને ૨૪,૩૯૬ મતથી હરાવ્યા છે.લક્ષદ્વીપમાં કૉન્ગ્રેસના મુહમ્મદ હમદુલ્લાએ શરદ પવારની NCPના ઉમેદવાર મોહમ્મદ ફૈઝલને ૨૬૪૭ મતે હરાવ્યા છે. ચંડીગઢમાં કૉન્ગ્રેસના મનીષ તિવારીએ ૨,૧૬,૬૫૭ મત મેળવીને BJPના સંજય ટંડનને માત્ર ૨૫૦૪ મતે હરાવ્યા છે. આ બેઠક પર નોટાને ૨૯૧૨ મત મળ્યા હતા. દમણ અને દીવ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે BJPના ઉમેદવાર લાલુભાઈ પટેલને ૬૬૨૫ મતથી હરાવ્યા હતા. ઉમેશભાઈને ૪૨,૫૨૩ મત મળ્યા હતા.

મેહબૂબા મુફ્તીનો પરાજય

જમ્મુ અને કાશ્મીરમાં અનંતનાગ-રાજૌરી બેઠક પર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)નાં મેહબૂબા મુફ્તીનો પરાજય થયો છે. જમ્મુ કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સનાં મિયાં અલ્તાફ અહમદને ૫,૨૧,૮૩૬ મત, જ્યારે મેહબૂબાને ૨,૪૦,૦૪૨ મત મળ્યા હતા. મેહબૂબાનો ૨,૮૧,૭૯૪ મતથી પરાજય થયો હતો.

ઓમર અબદુલ્લાનો કારમો પરાજય

જમ્મુ અને કાશ્મીરમાં બારામુલ્લા બેઠક પર જમ્મુ-કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાનો ૨,૦૪,૧૪૨ મતે પરાજય થયો હતો. અપક્ષ ઉમેદવાર અબ્દુલ રશીદ શેખને ૪,૭૨,૪૮૧ અને અબદુલ્લાને ૨,૬૮,૩૩૯ મત મળ્યા હતા. 

national news india congress bharatiya janata party jammu and kashmir