23 May, 2024 07:37 AM IST | Sambalpur | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીત થવાની છે એવી બેઠકોનો આંકડો ૩૧૦ને પાર થઈ ગયો છે અને આગામી બે તબક્કામાં અમે ૪૦૦ બેઠકના લક્ષ્યાંકને પાર પાડીશું.
ઓડિશાના સંબલપુરમાં એક ચૂંટણીપ્રચાર સભાને સંબોધતાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ સાથે થઈ રહી છે અને એમાં પણ અમે ૭૫ બેઠકોના લક્ષ્યાંકને પાર પાડીને નવી સરકાર બનાવીશું. દેશને મજબૂત બનાવવા, નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડા પ્રધાન બનાવવા અને ઓડિશાની અસ્મિતાને ફરી સ્થાપવા માટે હાલમાં ચૂંટણી લડાઈ રહી છે. જો અમને ઓડિશામાં સત્તા મળશે તો અમે એકદમ યુવાન અને શક્તિથી તરવરતી વ્યક્તિને મુખ્ય પ્રધાનપદે નિયુક્ત કરીશું જે રાજ્યને નવી ઊંચાઈએ લઈ જશે.’
ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને તામિલનાડુમાં જન્મેલા તેમના નિકટના સાથી વી. કે. પાંડિયન પર પ્રહાર કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન રાજ્યમાં બાબુશાહી થોપી રહ્યા છે અને તેઓ ઓડિશાની સંસ્કૃતિની અવગણના કરી રહ્યા છે. ઓડિશામાં ખનિજનો ભંડાર છે છતાં ઓડિશા ગરીબ રાજ્ય છે. નવીન પટનાયકના બાબુઓ રાજ્યની સંપત્તિ લૂંટી રહ્યા છે. શું તામિલનાડુના બાબુને ઉત્કલની ભૂમિ પર શાસન કરવા દેવો જોઈએ? આ કામ માત્ર એવી વ્યક્તિને સોંપવામાં આવવું જોઈએ જે ઓડિયામાં બોલતો હોય અને ભગવાન જગન્નાથની સંસ્કૃતિને આગળ વધારી શકતો હોય. પચીસ વર્ષ બાદ ઓડિશાના લોકોએ સત્તાપરિવર્તન કરવું જોઈએ.’