13 May, 2024 10:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં રોડશો દરમ્યાન એક બાળકીએ અરવિંદ કેજરીવાલને પોતાની પિગી બૅન્ક આપી દીધી હતી
દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે ગઈ કાલે એક પત્રકાર-પરિષદમાં દેશ સામે ૧૦ ગૅરન્ટી રાખી હતી અને વચન આપ્યું હતું કે કેન્દ્રમાં INDIA ગઠબંધનની સરકાર આવશે તો આ ૧૦ ગૅરન્ટી પૂરી કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું હતું કે આ મુદ્દે સહયોગી પાર્ટીઓ સાથે વાતચીત થઈ નથી, પણ મને વિશ્વાસ છે કે આ એવી ગૅરન્ટી છે જેના વિશે કોઈને વિરોધ નહીં હોય. પત્રકાર-પરિષદમાં INDIA ગઠબંધનના વડા પ્રધાનપદના ઉમેદવારના મુદ્દે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હું INDIA ગઠબંધનના વડા પ્રધાનપદનો ફેસ નથી.
AAPના વિધાનસભ્યો સાથે બેઠક કર્યા બાદ પત્રકારોની સાથેની વાતચીતમાં કેજરીવાલે કહ્યું હતું કે ‘હું દેશના લોકોને ૧૦ ગૅરન્ટી આપું છું. જોકે આ મુદ્દે INDIA બ્લૉકના સહયોગીઓ સાથે ચર્ચા કરી નથી, કારણ કે એટલો સમય નહોતો. જોકે હું એમ માનું છું કે INDIA બ્લૉકના સહયોગીઓને આ મુદ્દે કોઈ સમસ્યા નહીં હોય. આ ગૅરન્ટીઓ પૂરી કરવામાં આવશે. લોકોએ મોદીની ગૅરન્ટી અને કેજરીવાલની ગૅરન્ટી વચ્ચે પસંદગી કરવાની રહેશે. કેજરીવાલની ગૅરન્ટી એક બ્રૅન્ડ છે. આ ૧૦ ગૅરન્ટી નવા ભારતના સપના સમાન છે. આમાંથી જે થોડાં કામ છે એ ૭૫ વર્ષમાં થઈ જવાં જોઈતાં હતાં, પણ પૂરાં થયાં નથી. આ એવાં કામ છે જેના વિના ભારત દેશ શક્તિશાળી બની શકે એમ નથી. આ કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે.’
લોકોને મોદીની ગૅરન્ટીમાં વિશ્વાસ છે કે કેજરીવાલની ગૅરન્ટીમાં વિશ્વાસ છે એ દેશના લોકોએ નક્કી કરવાનું છે એમ જણાવીને કેજરીવાલે ઉમેર્યું હતું કે ‘ચૂંટણી પહેલાં અમે જે ગૅરન્ટી આપી હતી એ પૂરી કરી છે. આવતા વર્ષે મોદીજી રિટાયર થશે. એ પછી સ્પષ્ટતા નથી કે તેમની ગૅરન્ટીઓ કોણ પૂરી કરશે, પણ કેજરીવાલ અહીં જ છે અને હું ખાતરી આપું છું કે આ ગૅરન્ટીઓ હું પૂરી કરીશ.’
શું છે કેજરીવાલની ગૅરન્ટી?
કેજરીવાલની ૧૦ ગૅરન્ટીમાં ૨૪ કલાક વીજળી-પુરવઠો, સારું શિક્ષણ, સારી આરોગ્ય-સુવિધા અને દર વર્ષે યુવાનો માટે બે કરોડ નોકરીનું સર્જનનો સમાવેશ છે. કેજરીવાલે કહ્યું હતું કે ‘અમે પંજાબ અને દિલ્હીમાં ૨૪ કલાક વીજળી-પુરવઠો પૂરો પાડીએ છીએ. આવું કામ અમે આખા દેશમાં કરી શકીએ એમ છીએ. દેશમાં સરકારી સ્કૂલો ખરાબ હાલતમાં છે. અમે આખા દેશમાં સારું શિક્ષણ પૂરું પાડીશું. અમને એ ખબર છે કે એ કામ કેવી રીતે કરવાનું છે. અમે અગ્નિવીર યોજના રદ કરીશું. સ્વામીનાથન રિપોર્ટ મુજબ ખેડૂતોને મિનિમમ સપોર્ટ-પ્રાઇસ મળશે. ચીને આપણી જમીન પચાવી પાડી છે એ અમે પાછી મેળવીશું. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું.’