જેલમાંથી ઇલેક્શન લડેલા ત્રણ ઉમેદવારોનો વિજય

05 June, 2024 11:06 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કનિમોઝીએ તામિલનાડુની થ્થુકુડ્ડી બેઠક પરથી ઝુકાવ્યું હતું અને ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (AIADMK)ના ઉમેદવાર સિવાસ્વામી વેલુમની આર.ને ૩,૯૨,૭૩૮ મતથી હરાવ્યા હતા.

ક​નિમોઝી કરુણાનિધિ, અમ્રિતપાલ સિંહ, અબ્દુલ રા​શિદ શેખ

ત્રણ ઉમેદવારોએ જેલમાં હોવા છતાં આ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું એટલું જ નહીં, જીત્યા પણ હતા. દ્રવિડ મુન્નેત્ર કઝગમનાં સંસદસભ્ય કનિમોઝી કરુણાનિધિ તામિલનાડુમાંથી, અલગ ખાલિસ્તાનની માગણી કરતા અમ્રિતપાલ સિંહ પંજાબમાંથી અને જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાંથી એન્જિનિયર અબ્દુલ રાશિદ શેખ જેલમાં હોવા છતાં જીતી ગયા છે.

કનિમોઝીએ તામિલનાડુની થ્થુકુડ્ડી બેઠક પરથી ઝુકાવ્યું હતું અને ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (AIADMK)ના ઉમેદવાર સિવાસ્વામી વેલુમની આર.ને ૩,૯૨,૭૩૮ મતથી હરાવ્યા હતા. દિલ્હી એક્સાઇઝ પૉલિસીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ કનિમોઝીની ધરપકડ કરતાં હાલ તે જેલ-કસ્ટડીમાં છે. ૨૦૧૯માં તેમણે ૩,૪૭,૨૦૯ મતના માર્જિનથી BJPના તામિલીસાઇ સોંદરરાજનને હરાવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરની બારામુલ્લા બેઠક પરથી હાલ અનલૉફુલ ઍક્ટિવિટી (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA) હેઠળ તિહાર જેલમાં છેલ્લાં પાંચ વર્ષથી બંધ ‘એન્જિનિયર’ તરીકે જાણીતા અબ્દુલ રાશિદ શેખે ઝુકાવ્યું હતું. તેમના બે દીકરાઓએ પંદર દિવસ પહેલાં જ તેમનો પ્રચાર કરવાનું શરૂ કર્યું હતું. વર્ષોથી બારામુલ્લાની એ સીટ પર ફારુખ અબદુલ્લાના પરિવારનું વર્ચસ રહ્યું છે. અબ્દુલ રાશિદ શેખે રાજ્યના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર ઓમર અબદુલ્લાને ૨,૦૪,૧૪૨ મતથી હરાવ્યા છે.

સિખો માટે અલગ ખાલિસ્તાનનું સમર્થન કરતા ‘વારિસ પંજાબ દે’ના ચીફ અને હાલ દિબ્રૂગઢ જેલમાં કેદ અમ્રિતપાલ સિંહે પંજાબની ખદુરસાહિબ બેઠક પરથી અપક્ષ ઝુકાવ્યું હતું અને જીત મેળવી હતી. તેણે કૉન્ગ્રેસના કુલબીર સિંહ ઝીરાને ૧,૯૭,૧૨૦ મતથી હરાવ્યા હતા. 

national news Lok Sabha Election 2024 india tamil nadu punjab jammu and kashmir