લોકસભાની ચૂંટણીમાં ત્રણેય વ્યંડળ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી દીધી

06 June, 2024 01:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લોકસભાની આ ચૂંટણીમાં મહારાષ્ટ્રના ૯૧ ટકા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે

પ્રતીકાત્મક તસવીર

લોકસભાની ચૂંટણીમાં ઊભા રહેલા ત્રણ વ્યંડળ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે. આ ત્રણેય ઉમેદવારો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. સુનયનાએ ધનબાદમાંથી અને રાજન સિંહે સાઉથ દિલ્હીમાંથી ચૂંટણી જંગમાં ઝુકાવ્યું હતું. તેમને અનુક્રમે ૩૪૬૨ અને ૩૨૫ મત મળ્યા હતા, જ્યારે મધ્ય પ્રદેશમાં દામોહમાંથી ચૂંટણી લડનાર દુર્ગા મૌસીને ૧૧૨૪ મત મળ્યા હતા.

મહારાષ્ટ્રના ૯૧ ટકા ઉમેદવારોની ડિપો​​ઝિટ જપ્ત

લોકસભાની આ ચૂંટણીમાં મહારાષ્ટ્રના ૯૧ ટકા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. રાજ્યમાં કુલ ૧૧૨૧ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું, જેમાંથી ૧૦૨૫ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. ઇલેક્શન કમિશનના જણાવ્યા અનુસાર મોટા ભાગના મતવિસ્તારોમાં જે બે મુખ્ય રાજકીય પક્ષો હતા એમના જ ઉમેદવારોએ ​ડિપોઝિટ જાળવી રાખી છે. ડિપો​ઝિટ ગુમાવનારા સૌથી ઓછા સાત ઉમેદવારો રત્નાગિરિ-સિંધુદુર્ગ મતવિસ્તારમાં નોંધાયા હતા, જ્યારે સૌથી વધુ ૩૯ ઉમેદવારો ​બીડના હતા જેમણે તેમની ડિપોઝિટ ગુમાવી હતી. 

Lok Sabha Election 2024 national news