આખી દુનિયાની નજર આજે ભારતના રિઝલ્ટ પર: પાકિસ્તાનને ટેન્શન

04 June, 2024 07:14 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ચૂંટણી પૂરી થયા બાદ આવેલાં એક્ઝિટ પોલનાં તારણોથી પણ પાકિસ્તાનમાં ડરનો માહોલ પ્રસર્યો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સાત તબક્કામાં યોજાયેલી ચૂંટણી પૂરી થયા બાદ આજે ભારતમાં પરિણામ આવવાનું છે ત્યારે આખી દુનિયાની નજર નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડા પ્રધાન બને છે કે નહીં એના પર છે. એક્ઝિટ પોલમાં મોદીની વાપસી દર્શાવાઈ છે. પાડોશી દેશ પાકિસ્તાનને પણ આ રિઝલ્ટનો ઇન્તેજાર છે. પાકિસ્તાન ચિંતિત છે, કારણ કે એને ડર છે કે ત્રીજા ટર્મમાં મોદી પાકિસ્તાન સામે આક્રમક નીતિ અપનાવશે.

ચૂંટણી પૂરી થયા બાદ આવેલાં એક્ઝિટ પોલનાં તારણોથી પણ પાકિસ્તાનમાં ડરનો માહોલ પ્રસર્યો હતો. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ-સેક્રેટરી એજાઝ ચૌધરીએ કહ્યું હતું કે ‘ટ્રૅક-રેકૉર્ડ પરથી ખબર પડે છે કે વડા પ્રધાન મોદી ચૂંટણી વખતનો મૅનિફેસ્ટો લાગુ કરે છે અને આ વખતે મોદી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરશે અને પાકિસ્તાન સામે આક્રમક નીતિ અપનાવશે.’ ‍
જોકે પાકિસ્તાનમાં સૌકોઈ શું ઇચ્છે છે એ વિશે ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે મોદી ચૂંટણીમાં હારી જાય એવું પાકિસ્તાનવાસીઓ ઇચ્છે છે.

પાકિસ્તાન નથી ઇચ્છતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડા પ્રધાન બને. મોદી વડા પ્રધાન બન્યા બાદ સર્જિકલ સ્ટ્રાઇક અને ઍર-સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવ્યો હતો એથી તેઓ ડરે છે. મોદીએ જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કર્યો છે અને એને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધો છે.
ફવાદ ચૌધરીએ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલના સમર્થનમાં ટ્વીટ કર્યાં હતાં. રાહુલ ગાંધીના એક વિડિયોને ટ્વીટ કરીને તેમણે લખ્યું હતું કે રાહુલ ઑન ફાયર. કેજરીવાલના ટ્વીટ પર લખ્યું હતું કે શાંતિ અને સદ્ભાવ નફરત અને ઉગ્રવાદની તાકાતને પરાસ્ત કરે.

એક્ઝિટ પોલના આંકડા વિશે પાકિસ્તાનના ‘ડૉન’ અખબારે લખ્યું હતું કે ‘ભારતમાં એક્ઝિટ પોલનો રેકૉર્ડ ખરાબ છે, કારણ કે એનાં ચૂંટણી-પરિણામ ખોટાં હોય છે. નિષ્ણાતો કહે છે કે આટલા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એ સાચા પડે એ પડકારરૂપ છે.’

Lok Sabha Election 2024 bharatiya janata party congress rahul gandhi narendra modi pakistan