04 June, 2024 07:07 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે DMKના સ્થાપક કરુણાનિધિની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સોનિયા ગાંધી.
લોકસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે એના એક દિવસ પહેલાં ગઈ કાલે કૉન્ગ્રેસનાં સિનિયર નેતા અને કૉન્ગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચોથી જૂને ચોંકાવનારાં પરિણામો માટે તૈયાર રહો.
વિપક્ષી INDIA ગઠબંધને ખુદની જીતનો દાવો કર્યો છે અને કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તો ૨૯૫ બેઠકો મળવાની ભવિષ્યવાણી પણ કરી દીધી છે. જોકે મોટા ભાગના એક્ઝિટ પોલમાં કેન્દ્રમાં ત્રીજી વાર મોદી સરકાર આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.
દિલ્હીમાં દ્રવિડ મુનેત્ર કઝઘમ (DMK)ની ઑફિસમાં પક્ષના સ્થાપક નેતા દિવંગત કરુણાનિધિને તેમની ૧૦૦મી જન્મજયંતીએ શ્રદ્ધાંજલિ આપીને બહાર નીકળતી વખતે સોનિયા ગાંધીને એક્ઝિટ પોલના વરતારા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ‘આપણે માત્ર ઇન્તજાર કરવાનો છે અને જોવાનું છે. પરિણામો ચોંકાવનારાં રહેશે. અમારી એવી ધારણા છે કે એક્ઝિટ પોલનાં તારણો કરતાં રિઝલ્ટ તદ્દન અલગ હશે.’
કરુણાનિધિને અંજલિ આપતાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે હું સદ્ભાગી રહી છું કે તેમને મળવાનો મને અનેક વાર મોકો મળ્યો હતો, તેઓ જે કહેતા એ હું ધ્યાનથી સાંભળતી હતી અને મને તેમની સલાહથી ઘણી વાર ફાયદો થયો છે.
આ પહેલાં કૉન્ગ્રેસના નેતા અને પ્રવક્તા જયરામ રમેશે કહ્યું હતું કે એક્ઝિટ પોલ મનોવૈજ્ઞાનિક ખેલ છે અને ચોથી જૂને આવનારાં પરિણામ અને એક્ઝિટ પોલના આંકડામાં મોટું અંતર રહેશે.